ભરૂચ: જિલ્લાના વાલિયા તાલુકામાં રહેતા દિલીપભાઈ વિનુભાઈ વઢેરા છેલ્લા 20 વર્ષથી જલારામ ખમણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ મૂળ અમરેલીના ધારી તાલુકાના વતની છે. દિલીપભાઈ સાથે આ વ્યવસાયમાં કુલ 4થી 5 લોકો સંકળાયેલા છે.
જલારામ ખમણ હાઉસની વિશેષતા
બારડોલીના પ્રખ્યાત જલારામ ખમણ હાઉસની ખાસિયત એ છે કે, અહીં ખમણમાં ગુલાબ સીંગતેલનો વપરાશ કરવામાં આવે છે. દિલીપભાઈએ જણાવ્યું હતું કે, તેઓએ જલારામ ખમણની શરૂઆત વાલિયા ચોકડી ખાતેથી કરી હતી. જોકે લોકો દ્વારા સારો સહકાર મળતા તેમણે પોતાનું અલગ જલારામ ખમણ હાઉસ ઉભું કર્યું છે. જલારામ ખમણ હાઉસમાં 1 કિલો વધારેલા ખમણનો ભાવ 200 રૂપિયા, કોરા ખમણનો ભાવ 100 રૂપિયા છે.
જલારામ ખમણમાં પ્રતિ દિન 50થી 60 કિલો સુધીનું વેચાણ
જલારામ ખમણમાંથી રોજેરોજ 50થી 60 કિલો ખમણ વેચાય છે. તો રવિવારના દિવસે 20 કિલોથી વધુ ખમણ વેચાઈ જાય છે. જલારામ ખમણ હાઉસમાં ઓર્ડર આપે તો 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખમણ આપે છે. અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, સુરત, વ્યારા, કોસંબા સહિતના દૂર દૂરના સ્થળોએથી લોકો એકવાર ખમણનો ટેસ્ટ કરે એટલે જ્યારે પણ આ સ્થળેથી નીકળે, ત્યારે ખમણ લેવા માટે અચૂક આવે છે. એમ વેપારી જણાવી રહ્યા છે.
પ્રવાસીઓ ખાસ જલારામના ખમણ આરોગતા હોય
રવિવારે વાલિયા-નેત્રંગ માર્ગ ઉપરથી દેવમોગરા,એસ.ઓ.યુ ખાતે જતા પ્રવાસીઓ ખાસ જલારામના ખમણ આરોગતા હોય છે. શુદ્ધ સીંગતેલમાં વઘારેલા ખમણ દાંતે વળગતા સ્વાદિષ્ટ લાગે છે. રવિવારે દુકાને 70થી વધુ કિલો ખમણ બનાવવામાં આવે છે. સ્વાદમાં લઝીઝ એવા ખમણ ખાવા માટે લોકો લાઈન લગાવી ઉભા હોય છે.
વાલિયા ગામમાં અન્ય ખમણની દુકાન કરતા જલારામના ખમણ લોકો વધુ પસંદ કરે છે. શુદ્ધ દાળમાંથી બનતા ઓરીઝનલ ખમણનો સ્વાદ હોવાથી જ તેનું વેચાણ પણ થઈ રહ્યું છે. આ માર્ગ ઉપરથી અન્ય રાજ્યમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતા વાહન ચાલકો પણ જલારામના ખમણ પોતાની સાથે લઈ જતા હોય છે. આજુબાજુ ગામોમાંથી વાલિયા ખાતે ખરીદી કરવા આવતા લોકો પણ પોતાના ઘરે ખમણ પોતાના પરિવારજનો માટે લઈ જતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર