– સામાન્ય વરસાદમાં અંધારપટ્ટ થઈ જવાથી રહીશોને ભારે હાલાકી
– વારંવાર વીજળી ડૂલ થવાથી શહેર અને જિલ્લાના ઉદ્યોગોને માઠી અસર, ફોલ્ટ સેન્ટરનો ફોન લાગતો નથી
બોટાદ : બોટાદમાં છેલ્લા ઘણાં દિવસોથી પાળિયાદ રોડ પર આવેલી અનેક સોસાયટીઓ તથા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ ધાંધિયા સામે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સામાન્ય વરસાદમાં અંધારપટ્ટ થઈ જવાથી રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વારંવાર વીજળી ડૂલ થવાથી શહેર અને જિલ્લાના ઉદ્યોગોને માઠી અસર પડી રહી છે. તેમજ પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરનો નંબર લાગતો નહી હોવાથી ક્યારે લાઈટ આવશે તે પણ જાણી નહી શકાતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
બોટાદમાં છેલ્લા ઘણાં સમયથી પાળિયાદ રોડ પર આવેલી ૩૦થી ૪૦ સોસાયટીઓમાં અને મોટાભાગના શહેરમાં ગમે ત્યારે વીજળી ડૂલ થઈ જાય છે. ચોમાસાની સિઝનમાં સાવ સામાન્ય વરસાદમાં કલાકો સુધી વીજળી ડૂલ થઈ જાય છે ત્યારે પીજીવીસીએલની પ્રિ-મોનસૂન કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. સામાન્ય વરસાદમાં વારંવાર વીજળી ડૂલ થવાથી રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ કરીને નાના બાળકોની સ્થિતિ દયાજનક બની જાય છે. વારંવાર વીજ ધાંધિયાથી શહેર અને જિલ્લાના નાના મોટો ઉદ્યોગો, વ્યવસાયકારો અને દુકાનદારોનો વેપાર ઠપ્પ થઈ જાય છે ઉપરાંત લાઈટ નહી હોવાના કારણે હોસ્પિટલોમાં દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. એક્સરે, સીટી સ્કેન માટેના સેન્ટરો લાઈટ નહી હોવાથી બંધ રહેતા બહાર ગામથી આવતા દર્દીઓને ભારે તકલીફ પડી રહી છે. તેમજ લાઈટ નહી હોવાથી મકાનોની બીજા-ત્રીજા માળે ટાંકી પાણી નહી ચડી શકતા લોકોને મુશ્કેલી પડી રહી છે. બીજી બાજુ ફોલ્ટ સેન્ટરનો નંબર સમયસર લાગતો નહી હોવાથી લાઈટ ક્યારે આવશે તે પણ જાણી નહી શકાતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અવાર-નવાર લાઈટ જવાના કારણે લોકોના વિવિધ વીજ ઉપકરણોને નુકસાન થવાથી લાખોનું નુકસાન થાય છે ત્યારે વીજતંત્ર દ્વારા નાગરિકોના આ પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યાં છે.