– શનિવારે રાત્રે બનેલી ઘટનાને લઈ બોટાદ શહેરમાં ચકચાર મચી
– બોટાદના દિનદયાળ ગેટ નજીક ત્રણ શખ્સોએ કર્મચારીને સરજાહેર ચાલ્યા જવાનું કહી લાકડાંના ધોકા વડે માર માર્યો, ધમકી આપી ફરાર
ભાવનગર : બોટાદના ખાસ રોડ નવી પોલીસ લાઈન ખાતે રહેતા અને બોટાદ પોલીસ હેડ કવાર્ટરમાં કોમ્પ્યુટર શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને ત્રણ શખ્સે લાકડાના ધોકા વડે માર મારી ફરજમાં રૂકાવટ કરી ધમકી આપી હતી.
બનાવની વિગત એવી છે કે, બોટાદના ખાસ રોડ નવી પોલીસ લાઈન ખાતે રહેતા અને બોટાદ પોલીસ હેડ કવાર્ટરમાં કોમ્પ્યુટર શાખામાં ટેકનિકલ કામગીરી બજાવતા કરમશીભાઈ નાનુભાઈ રાઠોડ ગત શનિવારે રાત્રિના ૧૦ કલાકે વાગ્યે બોટાદ પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે કોમ્પ્યુટર શાખામાં ફરજ પર હાજર હતા.તે દરમિયાન ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ચાલતી કનેક્ટીવીટી અવેડા ગેટ ચોકી ખાતે ફાળવેલ હોય જે કનેકટીવીટી ડાઉન આવતી હોય જેથી તે જગ્યાએ જતાં ત્યાંે તાળુ મારેલું હતું. દરમિયાન પોલીસ કર્મચારી સરકારી કામ સબબ તેમના મિત્ર સાહિર સાથે દિનદયાળ ચોક પાસે આવેલ પાનની દુકાન પાસે ઓટલાં પર બેઠા હતા. તેવામાં રાજદિપ દિલીપભાઈ માલા,અંજીમ મુન્નાભાઈ તથા ફૈજલ ઉર્ફે ચકલી રફિકભાઈ ખંભાતી પણ ત્યા તાપણુ કરતાં હતા.આ વખતે રાજદિપ દિલીપભાઈ માલાએ કરમશીભાઈને કહ્યું હતું કે ચાલ તુ અહિ ઓટલા પરથી ઉભો થઈને ચાલતો થઈ જા જેથી કરમશીભાઈએ રાજદિપ માલાને જણાવેલ કે હું મારા સરકારી કામ કાજ માટે આવેલ છુ અને હું ત્યાં જાવ જ છું તેમ જણાવતા રાજદિપ માલા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો,અને પોલીસ કર્મચારીને ચાલું ફરજે ગાળો આપી હતી. તથા મોટરસાઈકલમાથી લાકડાનો ધોકો કાઢી પોલીસ કર્મીને વાસાના ભાગે એક ઘા ઝીંકી દીધી હતો .અને તેની સાથે આવેલ અંજીમ મુન્નાભાઇ તથા ફેજલ ઉર્ફે ચકલી રફિકભાઈ ખંભાતીએ પણ તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ વખતે મિત્ર સાહિર વચ્ચે પડતા ત્રણેય જણા જતા જતા ધમકી આપેલ કે હવે પછી બીજીવાર અહિ દેખાઈશ તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી મોટરસાઈકલ પર નાસી છૂટયા હતા.આ બનાવ બાદ હુલામાં ઈજાગ્રસ્ત થયેલાં પોલીસ કર્મી કરમશીભાઈને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડાયા હતા.જયારે, બનાવ સંદર્ભે કરમશીભાઈ રાઠોડે ે બોટાદ પોલીસ મથકમાં ઉક્ત ત્રણ શખ્સ વિરૂધ્ધ માર મારી, જાનથી મારી નાઁખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.