– નીલગાય અથડાતા એક્ટિવા સવાર બંને પટકાયા
– મોટા વાહનની હેડલાઈટથી અંજાઈ જતા બાઈક પાછળ ટકરાતા એક્ટિવા ચાલક સહિત બેને ઈજા
નડિયાદ : મહેમદાવાદ તાલુકાના બાવરા રોડ પર નીલગાય આવતા એક્ટિવા સ્લીપ ખાઈ ગઈ હતી, જ્યારે નડિયાદ મરીડા રિંગ રોડ ઉપર મોટા વાહનની હેડલાઈટથી અંજાઈ જતા મોટરસાયકલ પાછળ અથડાતા એક્ટિવા સવાર બંનેને ઇજા થઈ હતી. આ બંને બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મહેમદાવાદના બાવરા આવાસ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમેશભાઈ ચૌહાણ તા.૬ઠ્ઠીએ પિતરાઈ કાકાના ઘરે ગરબા- જમણવારમાં આવ્યા હતા. જમ્યા બાદ રાત્રે તેમના સંબંધિ અરવિંદભાઈ ફૂલાભાઈ ચૌહાણ એક્ટિવા પર રાજેશભાઈને બેસાડી તેમના ઘરે મુકવા જતા હતા. ત્યારે અજીતભાઈ મંગળભાઈ ડાભીના ખેતર નજીક એકાએક નીલગાય એકટીવા સાથે અથડાતા રાજેશભાઈ ચૌહાણ તેમજ અરવિંદભાઈ ચૌહાણ રોડ પર પટાકાતા ઇજા થઈ હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં નડિયાદ નગર હિદાયત નગરમાં રહેતા અનવર હુસેન આદમભાઈ ખલીફા તા.૬ઠ્ઠીએ શેઠ નવાજ બેગ સોકત બેગ મીરજાને રહે.નવા ગાજીપુરાવાળા નડિયાદને કોઈ કામ હોય કબ્રસ્તાન ચોકડીથી બિલોદરા ચોકડી થઈ એકટીવા પર મરીડા રીંગરોડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સ્કૂલ પાસે સામેથી આવતા વાહનની હેડલાઈટથી અંજાઈ જતા બ્રેક મારતા એકટીવા આગળ જતી મોટરસાયકલ સાથે અથડાતા એક્ટિવા પર સવાર બંનેને રોડ પર પટકાતા ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.