- મારા પર કરેલા આક્ષેપો ખોટા છે : નાયબ મામલતદાર
- ના. મામલતદારે એન્ટ્રી મંજૂર કરવાના 17 હજાર માંગ્યા હોવાના મહિલા અરજદારનો આક્ષેપ
- વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કરાતા મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને લેખિત રજૂઆત
બાલાસિનોર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સર્કલ દ્વારા વેચાણ દસ્તાવેજની પાકી એન્ટ્રી મંજૂર કરવા માટે મહિલા અરજદાર પાસે રૂ.17,000 માગ્યા હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રી અને લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોને લેખિતમાં જાણ કરાઈ છે.
બાલાસિનોર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર સર્કલ તરીકે ફરજ બજાવતા સંજય ખરાડી પર બાલાસિનોર તાલુકાના વડદલા ગામની સીમમાં આવેલ બીનખેતી જમીન સર્વે નંબર 1294 પૈકી પ્લોટ નંબર 39 – 220 ચો.મી, તથા વરાળે પડતો કોમન પ્લોટ 36.30 ચો.મી અને રોડની જમીન 84.91 ચો.મી જમીન અરજદાર દ્વારા તા. 26/12/2014માં રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખ્યો હતો. જે પ્લોટની પાકી એન્ટ્રી જેતે વખતે મંજૂર કરાઈ હતી. મહિલા અરજદારે આ જ પ્લોટ રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી વણઝારા માંગીલાલને 22/04/2022ના રોજ આપ્યો હતો. જે દસ્તાવેજની પાકી એન્ટ્રી મંજૂર કરવા માટે નાયબ મામલતદાર સર્કલ સંજય ખરાડીએ રૂ. 17 હજાર માગ્યા હતા. જો કે અરજદાર ગીતાબેન પ્રફૂલચંદ્ર પટેલે તે રૂપિયા ન આપતા એન્ટ્રી નામંજૂર કરાતા મહિલાએ ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોને લેખિત જાણ કરી છે.
મારા પર કરેલા આક્ષેપો ખોટા છે : નાયબ મામલતદાર
આક્ષેપ બાબતે નાયબ મામલતદાર સર્કલ સંજય ખરાડીએ જણાવ્યું હતું કે વડદલા સીમનો બીનખેતી જમીનનો સર્વે નં.1294 પૈકી પેલોટ નંબર 39ની 220 ચો.મી. જમીનના વેચાણ દસ્તાવેજ સાથે કોમન પ્લોટ, રસ્તાના માર્જીનનો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ થયો હોવાથી તથા અરજદારે આ નોંધ સાથે કોમન પ્લોટનો લે-આઉટ નકશો રજૂ કર્યો ન હોવાથી નોંધ નામંજૂર કરાઈ છે. આ નોંઝ રિવિઝનને પાત્ર છે. અરજદાર પ્રાંત કચેરીમાં અપીલ કરી શકે છે. મેં કોઈ રૂપિયાની માગ કરી નથી. મારી ઉપર કરેલાં આક્ષેપો ખોટા છે.