- સફાઈ મરામતના અભાવ સાથે બાગમાં રમતગમતનાં સાધનો પણ લકવાગ્રસ્ત બની ગયાં
- બાગબગીચાની મરામતના નામે માત્ર બિલો બનાવી ભ્રષ્ટાચાર આચરાતો હોવાની ફરિયાદ
- એક સુંદર નજરાણાને બેઠું કરવા પાલિકા ક્યારે જાગૃત થશે તે નક્કી નથી
બારડોલીમાં લોકભાગીદારી સાથે નગરજનોની સુવિધા માટે અર્પણ કરાયેલા બાગ-બગીચાઓ કોરોના મહામારી સમયગાળા દરમિયાન નધણિયાતી હાલતમાં મુકાઈ જતા નકામા બની ગયા હતા. ત્યારથી આજે પણ શોભાના ગાંઠિયા સમાન નગરપાલિકાની અણઆવડત અને અનદેખીના કારણે કરોડો રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરાયેલા પ્રકલ્પો બેહાલ અને બિસ્માર હાલતમાં છે. પાલિકા કચેરીથી માંડ 50 ફૂટના અંતરે ભુવનેશ્વરી ગાર્ડન તદ્દન બેહાલ સ્થિતિમાં છે. મરામતના નામે બગીચામાં ખર્ચાતા રૂપિયા માત્ર ઉપાડીને વાપરી ખવાતા હોવાની ફરિયાદ જનતામાં ઊઠી છે.
બારડોલી નગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પણ તેઓની જવાબદારી પ્રત્યે ફરજ બજાવવાની બેજવાબદારી જણાઈ રહી છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા અને લોકભાગીદારીથી ઊભા કરાયેલા ભુવનેશ્વરી ગાર્ડનની દશા બેસી ગઈ છે. તેવા સમયે એક સુંદર નજરાણાને બેઠું કરવા પાલિકા ક્યારે જાગૃત થશે તે નક્કી નથી.
બારડોલી નાગરિક બેંક દ્વારા વર્ષો પૂર્વે લોકભાગીદારીના કરાર સાથે બનાવાયેલું શાસ્ત્રી રોડનું ઉદ્યાન પણ ડચકા ખાતું હોય તેમ હાલમાં જવાબદારી નિભાવતા પાલિકાતંત્રના કારણે બેહાલ સ્થિતિમાં ગરકાવ થઈ રહ્યો છે. તૂટેલા રમતગમતનાં સાધનો, રંગીન ફુવારો, લીલાછમ ઘાસની લોન પાણીના અભાવે સુકાઈ ગઈ છે. નગરપાલિકા ઓફિસથી 50 ફૂટના અંતરે આવેલા પાલિકાના આ ભુવનેશ્વરી ગાર્ડનની દશા બેસી ગઈ છે. શહેરીજનો માટે બેસવાના બાંકડા, બાળકો માટે રમવાનાં સાધનો સડીને તૂટી ગયા છે. કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર અને બાગ નિર્માણ સમયે અધૂરા છોડેલા ફુવારા અને સુશોભન સર્કલ પણ બેહાલ બની ગયા છે. પાલિકા ગાર્ડનમાં પીવાના પાણીની પરબ પણ ગંદકીમાં ગરકાવ થઈ ગઈ છે. આ બગીચાઓમાં મરામતના નામે કે વિકાસના નામે ફળવાયેલા નાણાં ભ્રષ્ટાચાર કરી ઉપાડીને વાપરી ખવાયા હોવાની ફરિયાદ જનતામાં ઊઠી છે.
નાવઈની વાત એ છે કે, મહિનાથી બારડોલીના ત્રણ બગીચાઓની સારસંભાળ માટે પાલિકાએ ર લાખના કરાર સાથે ખાનગી એજન્સીને કામકાજ સુપ્રત કરાયું છે. પરંતુ કોન્ટ્રાક્ટરને પણ પોતાની ફોજ ક્યાં કામ કરી રહી છે તે જોવાની ફુરસદ નથી. તો આરોગ્ય વિભાગે પણ સાફસફાઈ બાબતે દુર્લક્ષ્ય સેવતા કરોડોના ખર્ચે નિર્માણ પામેલા તમામ પ્રકલ્પો બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. ત્યારે બાગબગીચા ક્યારે જાહેર જનતા માટે સુધારવામાં આવશે તે અકળ રહસ્યમય બાબત બની રહી છે.