Controversy In Bayad Municipality: ભાજપ શાસિત બાયડ પાલિકામાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ હોવાનું બહાર આવ્યું છે. પાલિકાની 28મી ઓક્ટેબરે યોજાયેલી સામાન્ય સભામાં ગ્રાન્ટના આયોજનની સત્તા સોંપવા મુદ્દે વિવાદ થતો હોબાળો થયો હતો. પ્રમુખને સત્તા સોંપવા મુદ્દે ભાજપના સભ્યોના બે જૂથ પડી ગયા હતા. આ મામલે મતદાન કરાવતા કોંગ્રેસ અને ભાજપના 15 સભ્યોનું પ્રમુખને સમર્થન જાહેર કર્યું હતું અને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને સંયુક્ત રીતે માત્ર છ સભ્યોએ સમર્થન કર્યું હતું.
વિકાસ કામ મામલે સભામાં બોલાચાલી
પાલિકા પ્રમુખ ભાવનાબહેન જોષીની અધ્યક્ષતામાં સોમવારે (28મી ઓક્ટોબર) સામાન્ય સભા મળી હતી. જેમાં અરજણવાવ ગામે પાણીની ટાંકી ભરવી, બાયડ ગામમાં તળાવના વિકાસ કામ મામલે સભામાં બોલાચાલી થઈ હતી. એજન્ડાના કામ નં. 5 અંગે પાલિકા પ્રમુખ ભાવના બહેન જોષીને ગ્રાન્ટની આયોજનની સત્તા સોંપવા મુદ્દે ભાજ૫ના સભ્યોમાં તડા પડી ગયા હતા અને પ્રશ્નોત્તરી દરમિયાન સભ્યો વચ્ચે ખટરાગ શરૂ થયો હતો.
મતદાન કરાવતા કોંગ્રેસ-ભાજપના 15 સભ્યોનું પ્રમુખને સમર્થન
રોડ રિસરફેસિંગ અને 2024-25ની આવેલી ગ્રાન્ટનું આયોજન કરવા બાબતનો મુદ્દો આવતા કેટલાક ભાજપના સભ્યોએ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને સંયુક્ત રીતે સત્તા સોંપવા માટે આગ્રહ રાખતા સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો. બાદમાં ચીફ ઓફિસરે પ્રમુખને એજન્ડાના કામ નં. 5માં સત્તા આપવા માટે મતદાન કરાવ્યું હતું.
આ પણ વાંચો: મોતની સવારી: રાજ્યના મોટા શહેરો ખાલી થવાનું શરૂ, વતનની વાટ પકડવા જીવના જોખમે મુસાફરી
જેમાં 21 પૈકી 15 સભ્યોએ સમર્થન જાહેર કર્યું હતું. જ્યારે સંયુક્ત રીતે ત્રણ પદાપિકારીઓને સત્તા આપવા માટે છ સભ્યોએ સમર્થન કરતા પ્રમુખ માટે ગ્રાન્ટનું આયોજન કરવાની માર્ગ સરળ બન્યો છે. જ્યારે કોંગ્રેસના તમામ સાત સભ્યોએ ભાજપ શાસિત પાલિકાના પ્રમુખને સત્તા સોંપવા માટે સમર્થન કર્યું છે. આગામી સમયમાં પાલિકાના રાજકારણમાં ભડકો થવાની સંભાવના છે.
ગંદકી મુદ્દે એસઆઈને આડે હાથ લેવાયા
બાવડ નગરપાલિકામાં તમામ વોર્ડમાં ઠેર ઠેર ગંદકીથી પ્રજા અને વેપારીઓ ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. પદાધિકારીઓના વોર્ડમાં ખદબદતી ગંદકી છતાં તેઓ કશું બોલી શકતા નથી. સામાન્ય સભામાં પણ ગંદકી મુદ્દે એસ.આઈ.ને આડે હાથે લેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી બાયડ નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી લકવાગ્રસ્ત બની ગયાનો ગંભીર આરોપ સામાન્ય સભામાં પણ અનેક સભ્યોએ ઊઠાવ્યો હતો.