મોડાસા-નડીયાદ હાઈ-વે ઉપર ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે. બાયડમાંથી પસાર થતા હાઈ-વે ઉપર ભૂતકાળમાં જીવલેણ અકસ્માતો સર્જાયા છે. હજુ પણ છાસવારે અકસ્માતો સર્જાય છે જેના કારણે નિર્દોષ લોકોના મોત નિપજી રહ્યા છે. આ મામલે તાજેતરમાં જ બાયડની જનતા દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે આવેદન અપાયું હતું. બાયડ શહેર અને તાલુકાની જનતાને ટ્રાફિકમાંથી મૂક્તિ મળે તે માટે અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે.
અરવલ્લી જિ. પં. આરોગ્ય સમિતિના ચેરમેન રવિકુમાર પટેલે (રડોદરા) આ અંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત પણ કરી છે. બાયડમાંથી પસાર થતો મોડાસા-નડીયાદ હાઈ-વે અકસ્માત ઝોનમાં ફેરવાઈ ગયો છે. ટ્રેઈલરો અને ભારે વાહનો છાસવારે અકસ્માતો સર્જી રહ્યા છે. માત્ર બાયડ શહેર જ નહીં પણ આ હાઈ-વે ઉપર મોડાસાથી ડેમાઈ સુધી આવતાં અંદાજે 20 ગામોની જનતા પણ ટ્રાફિકની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઊઠી છે. આ મામલે બાયડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ ઠરાવ કરાયો હતો. બાયડ શહેરની આસપાસના આંતરિક રસ્તાઓ જેવા કે રડોદરાથી વાત્રક, વાત્રકથી ચોઈલા તેમજ માધવકંપાથી ચોઈલા જવા માટે હાલ પંચાયત હસ્તકના રસ્તા ઉપલબ્ધ છે. આ રસ્તા પહોળા કરવામાં આવે તો પણ ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે તેમ છે. જે બાબતે અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને બાયડ શહેર અને તાલુકાની જનતાને ટ્રાફિકમાંથી મૂક્તિ અપાવવા માટે લેખિતમાં રજૂઆત કરી છે.
બાયડમાં રેલી કાઢી છતાં તંત્રની કોઈ કાર્યવાહી નહી
બાયડ નગરમાંથી પસાર થતા મોડાસા-નડીઆદ હાઈ-વેના ભારે ટ્રાફિકને મોડાસાથી ગોધરા-વડોદરા હાઈ-વે ઉપર ડાયવર્ટ કરવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે. તાજેતરમાં જ બાયડમાં વેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. આવેદન આપીને ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે 15 દિવસનુ અલ્ટિમેટમ આપ્યું હતું. જો કે, હજુ સુધી આ મામલે તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ ટ્રાફિકની સમસ્યા જૈસે-થે બરકરાર રહેવા પામી છે.