- ફ્રેક્ચર થતાં વાત્રક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન વૃદ્ધાએ દમ તોડયો,3 સામે ફરિયાદ
- તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે
- તેમને ફ્રેક્ચર થયું હોઇ ઓપરેશન કરવું પડશે તેવી વાત તબીબોએ તેમના ઘરના સભ્યોને જણાવી હતી
બાયડ તાલુકાના હમીરપુર ગામે રસ્તાના પ્રશ્ને થયેલી મારામારીમાં વૃદ્ધા ઇજાગ્રસ્ત થતાં તેમને વાત્રક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. આ અંગે બાયડ પોલીસ સ્ટેશને મૃતક વૃદ્ધાના પુત્ર બળવંતસિંહ ફતેસિંહ પરમાર (ઉં.વ. 45, રહે. હમીરપુર નવી વસાહત, તા. બાયડએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ, વીસેક વર્ષ અગાઉ ગામના કેટલાક લોકોએ ગામની ગૌચરની જમીનમાં મકાન બનાવ્યા હતા. જેમાં ફરિયાદીના મકાનની સામે તેમના કુટુંબીઓનાં મકાન આવેલાં છે. આ મકાનમાં આવવા જવા માટેના રસ્તા બાબતે એક વર્ષ અગાઉ કુટુંબીઓ વચ્ચે લડાઇ થઇ હતી અને મામલો બાયડ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બંન્ને પક્ષોએ સામસામી ફરિયાદો પણ નોંધાવી હતી. આ મામલે કોર્ટમાં કેસ પણ ચાલુ છે. આ મામલે બંન્ને પક્ષો વચ્ચે અવારનવાર બોલાચાલી પણ થતી હતી. દરમિયાન ગત તા.19 જાન્યુઆરીના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ફરિયાદીના ભાભી ભેંસોને ચારો નીરવા જતા હતા. ત્યારે આરોપી વિષ્ણુભાઇએ ઉંચા અવાજે કહ્યું હતું કે, તમને અહીંયાંથી નીકળવાની ના પાડી છે તો પણ તમે લોકો અમારા ઘર પાસેથી નિકળો છો ? આમ કહીને તેઓ બોલાચાલી કરવા લાગ્યા હતા. જેથી ફરિયાદીના માતા વૃદ્ધા શકરીબેન પરમારે આરોપી પાસે જઇ આ રીતે બોલાચાલી કરવાની ના પાડી હતી. જેથી આરોપી ઉશ્કેરાઇ ગયા હતા અને વૃદ્ધાને હાથમાંની લાકડી થાપાના ભાગે મારી હતી. અન્ય આરોપીઓ તેનું ઉપરાણું લઇને આવ્યા હતા અને ફરિયાદીનાં પત્ની અને વૃદ્ધાને ગાળો બોલી ધક્કામુક્કી કરવા લાગ્યા હતા. તમને આ રસ્તેથી નહીં જ નીકળવા દઇએ અને નીકળશો તો મારી નાખીશું તેવી ધમકી આપી ધક્કો મારતાં વૃદ્ધા નીચે પડી ગયા હતા. વૃદ્ધાને થાપાના ભાગે ઇજાઓ થતા વાત્રક હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા. વૃદ્ધાની સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમને ફ્રેક્ચર થયું હોઇ ઓપરેશન કરવું પડશે તેવી વાત તબીબોએ તેમના ઘરના સભ્યોને જણાવી હતી. સારવાર ચાલુ હતી તે દરમિયાન ગઇકાલે તા. 24એ બુધવારે બપોરે વૃદ્ધાએ દમ તોડયો હતો. આ મામલે બાયડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કોની કોની સામે ગુનો દાખલ કરાયો ?
બાયડ પોલીસે આરોપીઓ વિષ્ણુભાઇ ધરમસિંહ પરમાર, વનરાજસિંહ ધરમસિંહ પરમાર (બંન્ને રહે. હમીરપુર, તા. બાયડ), પંકજ પ્રતાપભાઇ ઝાલા ( રહે. શણગાલ, તા. બાયડ) વિરૂદ્ધ ઇપીકો કલમ 302, 325, 323, 504, 506(2), 114 તેમજ જીપીએ એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે.