- પાણી પુરવઠા વિભાગની લાપરવાહીના પગલે છેલ્લાં 10 વર્ષથી ટાંકી યોજના બંધ
- છેલ્લા દશ વર્ષથી ખંડિયેરમાં ફેરવાઇ રહેલી યોજના પાછળ જવાબદારોએ દ્દષ્ટિ જ કરી
- ડોલવણ તાલુકાના બામણામાળદુર ગામમાં પાણી યોજના ધોળા હાથી સમાન બની
ડોલવણના બામણામાળદૂર ગામમાં દૂધ ડેરી ફળિયામાં પાણીની ટાંકી, સંપ સહિતની સુવિધા ધૂળ ખાતી રહી છે. છેલ્લા દશ વર્ષથી ખંડિયેરમાં ફેરવાઇ રહેલી યોજના પાછળ જવાબદારોએ દ્દષ્ટિ જ કરી નથી. તાલુકામાં આવી ઊંચી ટાંકીઓ અને સંપની તપાસ થાય તો અડધી ટાંકીઓ પણ ચાલુ હાલતમાં મળી શકે તેમ નથી. પાણી પુરવઠા વિભાગ દ્વારા ખોખલી યોજનાઓને જન્મ આપવાની નીતિ અપનાવી નાણાં ગેરવલ્લે કરવામાં આવી રહ્યા છે.
ડોલવણ તાલુકાના બામણામાળદુર ગામમાં પાણી યોજના ધોળા હાથી સમાન બની છે. તોતિંગ ઊંચાઇ ધરાવતી અદ્યતન ટાંકી તથા સંપ, પાઇપલાઇન, વીજકનેકશન સહિતની તમામ સુવિધા પૂરી પાડયા બાદ પણ યોજના કોરીકટ રહી છે. આશરે 10 વર્ષ પહેલા બનાવવામાં આવેલી પાણી યોજનાની તમામ સામગ્રી કાટમાળમાં ફેરવાઇ રહી છે. મરણપથારીએ પડેલી આવી ઊંચી ટાંકીઓની યોજના મોટાભાગનાં ગામોમાં જોવા મળે છે. પાણી પુરવઠાની ઘોર દુર્લક્ષતાએ ટાંકી યોજનાનું નખ્ખોદ વળી ચૂક્યું હોય જેમાં સરકારની ગ્રાંટના નાણાંનો ધુમાડો અને કામ કરનાર એજન્સીઓ તથા અમલીકરણ અધિકારીઓનું ઉત્થાન થયું છે. બામણામાળદુર ગામમાં અદ્યતન ટાંકીના ટેસ્ટિંગ માટે માત્ર એક જ વખત પાણી ભરવામાં આવ્યું હતું.
ત્યારબાદ પાપનો ઘડો ફૂટી જવાના ભયમાં એકપણ વખત પાણી ચઢાવવામાં આવ્યું નથી. જો તમામ સુવિધા હોય તો યોજનાને કાર્યાન્વિત કરવામાં રહેતો છૂપો ભય ગેરરીતિ થયા તરફ અંગૂર્લી નિર્દેશ કરે છે. બામણામાળદુર ગામમાં પીવાના પાણીની સુવિધાના નામે માત્ર સરકારી યોજના મજાક સમાન બની છે. ટાંકી તથા સંપ તો ખંડિયેરમાં ફેરવાઇ રહ્યા છે. ટાંકી નજીકથી પસાર થતા ભય અનુભવાય તેવી સ્થિતિ છે. જો જળસુવિધા પૂરી પાડવાનો આશય જ ન હોય તો આટલી મોટી યોજના ગામડાંમાં અમલી બનાવી ગ્રામજનોને હથેળીમાં ચાંદ દેખાડવાની નીતિ તંત્રએ અપનાવી છે.
જિલ્લામાં પાણીની ટાંકી યોજના માત્ર ચાડી ખાવા પૂરતી જ સીમિત
તાપી જિલ્લાના ગામડાંઓમાં તોતિંગ ઊંચાઇ ધરાવતી પાણી પુરવઠાની ટાંકી યોજનાનો સરવે કરવામાં આવે તો મોટાભાગની ટાંકીઓ માત્ર ગામમાં સુવિધા પહોંચી હોવાની ચાડી ખાવા પૂરતી જ સીમિત રહી છે અને વર્ષોથી ટાંકીઓ કોરીકટ જ રહી છે.