Ahmedabad Crime News: અમદાવાદમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ રહ્યો ન હોય તેનો એક વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શહેરના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હતો. જોકે આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા પોલીસને પણ આ અસામાજિક તત્વોએ ધક્કો મારી પોલીસવાહનમાં બેસાડી દીધા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે આ લુખ્ખાતત્વોએ પોલીસની ગાડીને ત્યાંથી રવાના થવા મજબૂર કરી દીધી હતી અને ખાખીનો પાવર પણ આ લુખ્ખાતત્વો સામે ઓછો પડી ગયો હોય તેમ પોલીસકર્મીઓ જીપ્સીને લઈ પરત ફર્યા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ત્યાં જ હવે શહેરીજનોમાં પણ ખૌફ છે કે, પોલીસની હાજરી ન હોય અને અસામાજિક તત્વો મન પડે એ રીતે વર્તે એ તો સમજી શકાય પરંતુ પોલીસની હાજરીમાં પણ બેફામ વર્તન કરતા હોવાનો વીડિયો વાઈરલ થતાં સવાલો ઊઠ્યા છે. આ મામલે બે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધી એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રખિયાલના ગરીબનગરમાં અસામાજિક તત્વોનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અસામાજિક તત્વો હાથમાં તલવાર સાથે સમગ્ર વિસ્તારને બાનમાં લઈ રહ્યા છે. હાલ આ ઘટનામાં પોલીસે સમીર શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી રહી છે. રખિયાલ પોલીસે ગુન્હો નોંધ્યો છે તેમજ અન્ય એક ગુન્હો બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે.
જોકે આ ઘટના બાદ સરઘસ કાઢતી પોલીસનું સુરસુરિયું થયું હોય તેમ અમદાવાદ પોલીસે Before અને After નો કોઈ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો નથી. અમદાવાદ પોલીસના ઓફિશિયલ ટ્લીટર હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે,”તા.18/12/24 ના રાત્રીના સમયે બાપુનગર રખિયાલ વિસ્તારના વાયરલ થયેલા વીડિયો બાબતે પોલીસ દ્વારા તપાસ કરીને આરોપીની ઓળખ કરીને પકડી પાડવામાં આવ્યા છે તેમજ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.” જોકે આ ઘટના બાદ અમદાવાદ પોલીસની શાખ પર દાગ લગાવનારા બંને પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને સોન્સ્ટેબલ મિતેષને સસ્પેન્ડ કરી દીધા છે.