ખેડા: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર – મુફ્ત બિજલી યોજના હેઠળ કપડવંજ તાલુકાનું સુકી ગામના તમામ 78 ઘરોમાં આશરે 183.27 કિલો વોટ સોલર રૂફ ટોપ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે. જેથી સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજુ સોલર વિલેજ બન્યું છે. અંદાજિત 77.97 લાખના ખર્ચે ગામના કુલ 78 ઘર પર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાની 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 78 ઘર પર સોલર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન, એમ.જી.વી.સી.એલ, બેંક અને સોલર કંપનીના સહયોગથી અંદાજિત 55 લાખના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે.
તમામ 78 વીજ જોડાણો માટે સોલર યોજનાના નાણાં ભરપાઈ કરાવીને સોલર પેનલ લગાવવાનું કામ એપ્રિલ-મે, 2024માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આમ 100% સોલરાયઝેશનનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. “પ્રધાનમંત્રી સૂર્યઘર – મુફ્ત બિજલી યોજના” અંતર્ગત તમામ ગ્રાહકોને 43.29 લાખની સબસિડીનો લાભ પણ આપવામાં આવ્યો છે. આમ ગ્રીન એનર્જી-ક્લીન એનર્જી સાથે ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવામાં આવ્યા છે. 100 ટકા સોલર વિલેજ થવાના કારણે ગામડાના ગ્રાહકોની વીજ જરૂરિયાત તેમના પોતાના સોલર રૂફટોપ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે જેના કારણે તમામને બિલ ભરવામાંથી મુક્તિ મળી છે.
આ પણ વાંચો:
રાજકારણ: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં, ગુજરાતના નેતાઓને આપી મોટી જવાબદારી
સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરતાં પહેલા તમામ ગ્રાહકોનું બે માસનું બિલ આશરે 10275 યુનિટ અને રૂ. 64425 આવતું હતું. પરંતુ “પ્રધાનમંત્રી સૂર્યઘર – મુફ્ત બિજલી યોજના” અંતર્ગત સોલરાયઝેશન થયા બાદ ગ્રાહકોનું બે માસનું બિલ – 13422 યુનિટ (ક્રેડિટ યુનિટ) અને રૂપિયા -30200 (ક્રેડિટ રૂપિયા) આવતું થયું છે. આમ અંદાજે દરેક ગ્રાહકને બે માસની બિલિંગ સાઇકલમાં 1183 રૂપિયાનો ફાયદો થયાનો અંદાજ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી સૂર્યઘર – મુફ્ત બિજલી યોજના અંતર્ગત 43.27 લાખની સબસિડી, 34.51 લાખ રૂપિયાનો લોકફાળો, આમ કુલ 77.97 લાખ ના ખર્ચે આ પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આજે અહીં 78 ઘરોમાં કુલ 183.27 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતા વધારે છે. વધુમાં જરૂરિયાતમંદોને KDCC બેંકમાંથી સરળતાથી લોન ઉપલબ્ધ કરાવી હતી. અને મંદિર, દૂધમંડળી તથા સ્ટ્રીટ લાઇટ પણ સોલરથી જ કાર્યાન્વિત છે. આ પ્રોજેક્ટની સફળતામાં MGVCLના સ્ટાફ, ગ્રામજનો, કેડીસીસી બેંક (KDCC)ના કર્મચારીઓ, પંચાયત સ્ટાફ અને દૂધ મંડળીના કર્મચારીઓનો બહુ મોટો ફાળો રહ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર