કચ્છ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાભાગના પશુપાલકો ગાય અને ભેંસ રાખી લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે અને હાલ કચ્છમાં પણ હવે મોટાભાગના પશુપાલકો ભેંસ રાખે છે. જેમાં મોટાભાગના ખેડૂતો બન્ની ભેંસ રાખી વ્યવસાય કરી રહ્યા છે. કચ્છની ભેંસનો દબદબો યથાવત જોવા મળ્યો છે. કચ્છના બન્ની નસલની ભેંસો લાખોની કિંમતમાં વેચાતી હોય છે. પશુપાલન થકી અનેક માલધારીઓ લાખો રૂપિયાની કમાણી કરે છે. આજે આપણે આવા જ એક પશુપાલક વિશે વાત કરવાના છીએ.
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામના પશુપાલક પાસે અસલ બન્ની નસલની ભેંસ છે. તેઓ આ બન્ની નસલની ભેંસ થકી લાખો રૂપિયાની કમાણી કરે છે. ચોબારી ગામના દિલીપભાઈ આહીર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દિલીપભાઈ આહીર પાસે 15 જેટલી ભેંસો છે. તેમની પાસે બન્ની નસલની પણ ભેંસ છે. જે દરરોજ 15 લીટર જેટલું દૂધ આપે છે.
બન્ની નસલની ભેંસને નેશનલ બફેલો તરીકે મળી માન્યતા
કચ્છ જિલ્લામાં પશુઓની સંખ્યા વધારે છે. જેમાં બન્ની વિસ્તારનું પશુધન લાખેણું પશુધન છે. કચ્છ જિલ્લાના માલધારીઓની અપેક્ષા મુજબ, બન્ની નસલની ભેંસને નેશનલ બફેલો તરીકે માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી કચ્છના બન્ની વિસ્તારની ભેંસની કિંમત ખૂબ વધી ગઈ છે અને આજે આ ભેંસો 1 લાખથી લઈને 10 લાખની કિંમત સુધી વેચાય છે.
બન્ની ભેંસની ખાસિયત
બન્ની વિસ્તારની ભેંસો દેખાવમાં પણ ખૂબ સારી અને તંદુરસ્ત હોય છે. બન્ની નસલની ભેંસની ખાસ વાત એ છે કે, આ ભેંસોની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી હોતાં 15 લીટર જેટલું દૂધ આપે છે. બન્ની વિસ્તારની ભેંસો દેખાવમાં પણ ખૂબ સારી અને તંદુરસ્ત પણ હોય છે. તો બન્ની નસલની ભેંસો 10 લાખ સુધીમાં વેચાય છે.
ભચાઉ તાલુકાના ચોબારી ગામના દિલીપભાઈ આહીર પાસે 2.50 લાખની બન્ની નસલની ભેંસ છે. દિલીપભાઈ આ ભેંસના દૂધ થકી સારી આવક મેળવી રહ્યાં છે. કચ્છની બન્ની નસલની ભેંસને ખરીદવા અને નિહાળવા માટે પશુપ્રેમીઓ અનેક રાજ્યોમાંથી અહીં આવતા હોય છે. આથી કહી શકાય કે, કચ્છની બન્ની નસલની ભેંસોનો દબદબો યથાવત છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર