- માર્ચના અંતમાં 70થી 75 લાખ કટ્ટા આવવાની શક્યતા
- દર વર્ષે અઢી લાખ કટ્ટા માત્ર કંપનીઓ જ બિયારણ માટે સંગ્રહ કરે છે
- આ વખતે બજારમાં બટાટાંના ઊંચા ભાવથી હાલ તુંરત ખેડૂતોને રાહત
બટાટાંના ઉત્પાદનમાં ડીસા બાદ દહેગામ માન્ચેસ્ટર માનવામાં આવે છે અને તાલુકાના 45 થી વધુ કોલ્ડસ્ટોરેજ દર વર્ષે બટાટાંના મબલક પાકથી છલકી જાય છે. દહેગામ તાલુકામા હાલમાં બટાટાં કાઢવાનો આરંભ થઇ ચુક્યો છે અને ખેડૂતોના ખેતરોમાં બટાટાંનો પાક લેવાઇ રહ્યો છે. જેને લઇને દહેગામના જુદા જુદા સ્ટોરેજમાં શરુઆતમાંજ 60 થી 70 હજાર બટાટાંના કટ્ટા ઠલવાઇ ચુક્યા છે. માર્ચના અંતમાં આ આંકડો અધધ 70 થી 75 લાખ કટ્ટાએ પહોંચશે એવી ધારણા એસોસિએશન દ્વારા લગાવામાં આવી છે.
દહેગામના જુદા જુદા કોલ્ડસ્ટોરેજમાં દર વર્ષે 70 થી 75 લાખ બટાટાંના ક્ટ્ટા પૈકી બિયારણના બટાટાં જ આશરે પાંચ લાખ કટ્ટાએ પહોંચે છે. જેમાં વિવિધ કંપનીઓ દ્વારા બિયારણ માટે સંગ્રહ કરવામાં આવતા બટાટાંનો આંકડો જ અઢી લાખ કટ્ટાનો દર વર્ષે ફિક્સ જેવો હોય છે અને આ સિવાય ખેડુતો દ્વારા પણ બિયારણ માટે સંગ્રહ કરાતા બટાટાં બે લાખ ક્ટ્ટાથી વધુ થતા હોવાની વિગતો છે. જોકે મોટા ભાગના ખેડૂતોએ આગામી 14 મીએ વસંત પંચમીથી ખેતરમાંથી બટાટાં કાઢવાની શરુઆત કરતા હોય છે. જેને લઇને 15 મી બાદ કોલ્ડસ્ટોરેજો આગળ વાહનોની લાંબી કતારો લાગશે. જે છેક 15 મી માર્ચ સુધી તો યથાવત રહેતી હોય છે. ખાવાના, બિયારણના અને વેફર્સ સહીતના ઉપયોગમાં લેવામાં આવતા બટાટાંનો સંગ્રહ કરાય છે. જેમાં પંજાબથી પણ બટાટાંનો જથ્થો સંગ્રહ કરવા માટે ટ્રકો ભરીને દહેગામના સ્ટોરેજમાં આવતો હોય છે. ચાલુ સિઝનમાં બટાટાંના ભાવ સારા હોવાની વિગતો છે જેથી ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે અને સડસડાટ પાક લેવા લાગ્યા છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં સુકારાનો રોગ જોવા મળ્યો હતો જેને કારણે ખેડૂતોને કાચો પાક વહેલા લઇ લેવાની ફરજ પડી હતી. મગોડી, ઇસનપુર, જાખોરા , ચિલોડા જેવા ગામોના કેટલાક ખેડૂતોને સુકારાને કારણે નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો હોવાની વિગતો છે. જોકે હાલમાં દહેગામ તથા તેની આસપાસના પંથકમાં બટાટાંના ખેતરોમાં પાક લેતા ખે.ડૂતોનો ધમધમાટે જોવા મળી રહ્યો છે.