Flower Show 2025 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક, સુંદરતા અને પ્રતિકૃતિને નિહાળવા માટે આવે છે. ત્યારે આજ એટલે કે 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાનારા ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’નો શુભારંભ થઇ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ફ્લાવર શૉનું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો.
અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉ 2025નો આજથી પ્રારંભ થઇ ગયો છે. આ વખતે દેશની સંસ્કૃતિ અને વારસો, વૃદ્ધિ અને વિકાસ, ફ્લાવર વેલી સહિતના અલગ-અલગ 6 ભાગમાં વહેંચવામાં આવેલા ફ્લાવર શૉમાં સ્કલપચરથી લઈને આકર્ષક પ્રતિકૃતિઓ મુલાકાતીઓને નીહાળવા મળશે. જેમાં ફ્લાવર શૉ જોવા માટે આવતા લોકો રૂબરું અથવા QR કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે.
QR કોડ સ્કેન કરીને ફૂલ-સ્કલ્પચરની ઓડિયોમાં મળશે માહિતી
અમદાવાદના મેયર પ્રતિભા જૈને કહ્યું કે, ‘આ વર્ષના ફ્લાવર શૉને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ફ્લાવર શૉમાં આવતા લોકો QR કોડ સ્કેન કરીને ફૂલ અને સ્કલ્પચર વિશે ઓડિયો સ્વરૂપે માહિતી મેળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શૉનું ઉદ્ધાટન કરાશે.’
શું છે ટિકિટ દર?
ફ્લાવર શૉની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જો કે, ફ્લાવર શૉમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે ફ્લાવર શૉમાં 500રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે 9થી 10 અને રાત્રિના 10થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે.
ફ્લાવર શૉમાં દેશ-વિદેશના ફૂલો મુકાલાતીઓ માટે એક અલગ જ નજરાણું હશે. આ વખતેના ફ્લાવર શૉમાં 30થી વધુ વિદેશી જાતના ફૂલોની સાથે 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરાશે અને 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનીયલ વોલ તૈયાર કરાશે. ફ્લાવર શૉમાં ફૂડ સ્ટોલની સાથે નર્સરીના સ્ટોલ લગાવ્યા હોવાથી લોકો ફૂલછોડ-રોપાની ખરીદી કરી શકે.