Chinese Thread in Surat: સુરતના ડીંડોલી સાંઈ પોઈન્ટ ચાર રસ્તા નજીકથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના 11.52 લાખ રૂપિયાથી પણ વધુનો કન્ટેઈનર ઝડપાયું છે. પોલીસે કુલ 22.52 લાખ રૂપિયાનો મુદ્દમાલ કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
ડ્રાઈવર અમદાવાદથી દવા લાવ્યો, દોરી લઈ પરત જતો હતો
મળતી માહિતી અનુસાર, પોલીસે બાતમીના આધારે ડીંડોલી સાંઈ પોઈન્ટ ચાર રસ્તા પાસે એક કન્ટેઈનરને અટકાવ્યું હતું. જેની તપાસ કરતા 60 બોક્સમાં ભરેલી કુલ 2,880 બોબીન દોરી સાથે ટ્રક જપ્ત કરી. આ ચાઇનીઝ દોરીની બજાર કિંમત રૂ. 11.52 લાખ છે, જ્યારે કન્ટેનર ટ્રકની કિંમત 10 લાખ રૂપિયા છે. કુલ મુદ્દામાલ 22.52 લાખ રૂપિયાનો જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સંસદમાં બેગ પોલિટિક્સ: ભાજપ સાંસદ સારંગીએ પ્રિયંકા ગાંધીને આપ્યું ‘1984’ લખેલું બેગ
પોલીસે ડ્રાઈવર અનીલ મીણાની અટકાયત કરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અનીલ મીણા ટ્રાન્સપોર્ટરને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને અમદાવાદથી દવા લઈ સુરતના પાંડેસરા ખાતે ડિલિવરી કરવા આવ્યો હતો. દવાની ડિલિવરી કરી તે દોરીની ડિલિવરી અમદાવાદ કરવાની હતું. આ માલ ભરી અમદાવાદ જતો હતો, ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો.હાલ આ અંગે ડીંડોલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના જથ્થા સાથે દુકાનદાર ઝડપાયો
વડોદરામાં ઉતરાયણ દરમિયાન ચાઈનીઝ ચીજો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી તેની સામે પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં માંજલપુર વિસ્તારમાંથી પોલીસે 1000 નંગ ચાઈનીઝ તુક્કલ સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાણીગેટ વિસ્તારમાંથી વધુ એક દુકાનદારને ઝડપી પાડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પશુ પક્ષીઓ અને લોકો માટે જીવલેણ સાબિત થાય છે. આ ઉપરાંત દોરી નોન-બાયોડિગ્રેડેબલ હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ત્યારે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં દોરી આવે છે ક્યાંથી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.