Accident Near Polo Forest : સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પાણીમાં કાર ડૂબવાની બીજી ઘટના સર્જાઈ છે. જેમાં રાજસ્થાનના સલુંબરના બે યુવકોને અંબાજી જતી વખતે રસ્તામાં અકસ્માતને નડ્યો હતો. જેમાં વણજ ગામ નજીક ઊંડા પાણીમાં કાર ખાબકતા બંને યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે.
પોળો નજીક અકસ્માતમાં બે યુવકોના મોત
મળતી માહિતી પ્રમાણે, વિજયનગર – ઈડર રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં મોડીરાત્રે સલુંબર રાજસ્થાનથી અંબાજી તરફ કારથી જતા બે યુવકોનો અકસ્માત સર્જાયો હતો, વિજયનગર પોળો ફોરેસ્ટ પાસેના ઇડર હાઇવે પર ડેમના કિનારાના ભાગમાં ખાડામાં રેલીંગ તોડી કાર પાણીમાં ખાબકી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં વણજ ગામ પાસે રોડની સાઈડમાં પાણી ભરેલી ચોકડીમાં કાર ખાબકી હતી. જ્યારે કારમાં સવાર બંને યુવકોનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને કારને ક્રેનની મદદથી બહાર કાઢીને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. વિજયનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.