સાડા ત્રણ વર્ષ જુના કેસમાં ભુજ સ્પેશીયલ કોર્ટનો ચુકાદો
શેરડી ગામેથી અપહરણ કરીને કોટડા જડોદર, ઝુરા, ભુજ, મેઘપર વાડી વિસ્તારમાં પાંચ દિવસ દુષ્કર્મ ગુજાર્યો હતો
ભુજ: ગઢશીશા પોલીસ મથકના દુષ્કર્મ પોક્સોના સાડા ત્રણ વર્ષ જુના કેસમાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે નિરોણાના પરણીત આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ સજા સાથે છ લાખનો દંડ ફટકાર્યો છે.
નિરોણા ગામે રહેતા આરોપી મોહન લખુભાઇ મહેશ્વરી નામના પરણીત આરોપીએ ૧૬ વર્ષની સગીરાને લગ્ન કરવા અવાર નવાર દબાણ કરીને લગ્ન નહીં કરતો પોતે મરી જશે તેવી ધમકી આપી હતી. જેથી સગીરા ગભરાઇ જઇને લગ્નની આરોપીને હા પાડી હતી. ત્યાર બાદ સગીરાને જાણ થઇ હતી કે, આરોપી મોહન પરણીત છે. અને તેના પત્ની સાથે છુટાછેડા થઇ ગયા છે. જેથી સગીરાએ લગ્નની ના કહેતાં આરોપીએ સગીરાને અવાર નવા ફોન કરીને લગ્ન માટે દબાણ કરીને ગત ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ રાત્રીના લલચાવી ફોસલાવીને સગીરાને તેના શેરડી ગામે દાદાના ઘરેથી અપહરણ કરી ગયો હતો. ત્યાંથી નખત્રાણા તથા કોટડા જડોદરની વાડી વિસ્તાર તેમજ ભુજ, માલેતા, બાદમાં મેઘપર ટીટોડી ગામે વાડી વિસ્તારમાં ઝુરા જતવાંઢ, જકરીયા ગામ એમ અલગ અલગ જગ્યાએ લઇ જઇને પાંચ દિવસ સુધી સગીરા સાથે શારિરીક સબંધ બાંધ્યો હતો. જે બાબતે ગઢશીશા પોલીસ મથકમાં આરોપી વિરૂધ્ધ દુષ્કર્મ, પોક્સોની કલમ તળે ગુનો નોંધાયો હતો. તપાસના અંતે પુરતા પુરાવા હોવાથી અદાલત સમક્ષ ચાર્જસીટ મુકવામાં આવી હતી. આ કેસમાં ભુજના પોક્સો કોર્ટના સ્પેશીયલ જજ વી.એ.બુધ્ધએ ૩૧ દસ્તાવેજી પુરાવાઓ અને નવ સાક્ષીઓ તપાસીને આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા સાથે ૬ લાખનો દંડ કર્યો હતો. દંડની રકમમાંથી ૪ લાખ ભોગબનારને વળતર પેટે ચુકવી આપવા આદેશ કર્યો હતો. આ કેસમાં પ્રોસીક્યુશન તરફે સરકારી વકીલ એચ.બી.જાડેજાએ સાક્ષી તપાસ અને દલીલો કરી હતી.