જામનગર: જામનગર નજીક આવેલ પીરોટન ટાપુ દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવાનું એક અનોખું સ્થાન છે. આ પીરોટન ટાપુ વિશ્વ પ્રસિદ્ધ છે. તેથી મરીન નેશનલ પાર્ક જામનગર વિસ્તારમાં સક્રિય પ્રકૃતિ મંડળોને નેચર કેમ્પ અને નેચર ટુર જેવા કાર્યક્રમો યોજવાની મંજૂરી આપવામાં આવે તેવી જિલ્લાની પ્રકૃતિ મંડળો, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ તથા પ્રકૃતિ પ્રેમીઓમાં માંગ ઉઠી છે.
પર્યાવરણપ્રેમી ઉત્પલ દવેએ જણાવ્યું કે, “પીરોટન ટાપુ પર નેચર ટુર કરવામાં આવે તો લોકોની અવરજવર રહેશે. દરિયાઈ જીવસૃષ્ટિના જતનના કડક નિયમો સાથે પીરોટન ટાપુ પર નેચર ટુર કરવાની છૂટ આપવી જોઈએ. દરિયાઈ પટ્ટી પર લોકોની અવરજવરને લઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકશે. ડ્રગ્સનું અને નશાનું વકરતું દુષણ અટકાવી શકાશે.”
જામનગરના પ્રકૃતિ પ્રેમી વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, “જો પીરોટન ટાપુ પર પ્રવાસીઓની અવરજવર શરૂ થશે તો દેશ અને દુનિયામાંથી અનેક પ્રકૃતિ પ્રેમીઓ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ જામનગરમાં આવશે. જેના કારણે શહેરની હોટેલ, રેસ્ટોરન્ટ ઉપરાંત અનેક નાના-મોટા ધંધાર્થીઓને રોજગારી મળશે. પરિણામે જામનગરના વિકાસમાં વધારો થશે અને વિશ્વપ્રસિદ્ધ સ્થળ ફરી ધમધમતું થશે.”
કૃણાલ જોશીએ જણાવ્યું કે, “પીરોટન ટાપુ પર નેચર ટુરની મંજૂરી મળતાંની સાથે સાથે પ્રવાસન પ્રવૃત્તિને પણ વેગ મળશે. તદુપરાંત, આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ, ગેરકાયદેસર માછીમારી, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ બાબતે તંત્રને જાણ થશે. પીરોટન ટાપુ પર દરિયાઈ જીવસૃષ્ટિના જતનના ઉદ્દેશ સાથે બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકોમાં આમલે જાગૃતિ આવે અને દરિયાઈ જીવસૃષ્ટિથી વધુ ને વધુ લોકો વાકેફ થાય તે માટે મંજૂરી આપવી જરૂરી છે.”
આ પણ વાંચો:
ઓહો OMG! પૂજારીએ ઉકળતા દૂધની કર્યું સ્નાન, લોકોની આંખો પહોળી થઈ ગઈ, શું છે કરહા પૂજા?
મહત્વનું છે કે દરિયાઈ અજાયબીઓથી ભરપૂર આ ટાપુ પર પ્રવાસીઓને ક્રિકની બંને બાજુ ચેરના ગાઢ જંગલો જોવા મળશે, અમુક વખતે તો ડોલ્ફિન પણ જોવા મળી શકે છે. આ સિવાય 108 જાતની બદામી, લીલા તથા લાલ રંગની દરિયાઈ શેવાળ, 80થી વધુ જાતની દરિયાઈ વાદળીઓ, 37થી વધુ જાતના સખત અને નરમ વૈવિધ્યપૂર્ણ પરવાળાઓ. 27 જાતના જીંગા, 200થી વધુ જાતના મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, 150થી 200 જાતની નયનરમ્ય માછલીઓ, 3 જાતના અલભ્ય દરિયાઈ કાચબાઓ. 3 જાતના દરિયાઈ સાપ, 94થી વધુ જાતના પાણીના પક્ષીઓ. 78થી વધુ જાતના જમીન પરના પક્ષીઓ, 3 જાતના સસ્તન પ્રાણીઓ પણ જોવા મળે છે.
આ પણ વાંચો:
55 દિવસમાં બમ્પર કમાણી, ફેબ્રુઆરીમાં વેલાવાળા આ શાકભાજીની કરો ખેતી
જામનગરમાં આવેલો પીરોટન ટાપુ કચ્છના અખાતમાં આવેલા 42 ટાપુ પૈકીનો એક ટાપુ છે. ટાપુનો કુલ વિસ્તાર 1111.60 હેક્ટર ઓટના સમયે હોય છે અને ભરતી સમયે 300.54 હેક્ટર વિસ્તાર ખુલ્લો રહે છે. આ ટાપુ બેડી બંદરથી અંદાજે 22 નોટિકલ માઈલ દૂર આવેલ છે. આ ટાપુની મુલાકાતે જવા માટે જામનગરમાં આવેલી વન સંરક્ષકની મંજૂરી લેવી જરૂરી છે. ફરવા માટેનું સ્થળ નથી, પરંતુ અભ્યાસ ક્ષેત્ર છે માટે તે મુજબ જ અહીં વર્તન કરવાનું રહેશે. બોટમાં જતા પહેલા અગાઉથી જ બોટમેન પાસેથી ભરતીનો સમય જાણી લેવો. દરિયાઈ જીવસૃષ્ટિ જોવા માટે 12 કલાક જેટલું રોકાણ કરવું પડે છે માટે તે મુજબ તૈયારી કરીને આવવું. ટાપુ પર ટેપ કે અન્ય અવાજ કરે તેવા ઉપકરણો લઇ જવા નહીં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર