– બિલોદરા નજીક એક્સપ્રેસ-વેના બ્રિજ પરથી
– રાજસ્થાનના ઝાલોરથી દારૂ ભરી આપ્યો હોવાની કબૂલાત : બે સામે ગુનો દાખલ
નડિયાદ : નડિયાદના બિલોદરા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેના ઓવરબ્રિજ પર રાજસ્થાનથી પીકઅપ ડાલામાં રૂ.૪.૯૧ લાખના વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડયો હતો. એલસીબીએ રૂ.૬.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
ખેડા એલસીબીએ શુક્રવારે સાંજે બાતમીના આધારે નડિયાદ પાસે બિલોદરા ગામ નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પરના ઓવરબ્રિજ પર વોચ ગોઠવી હતી. એલસીબીએ પીકઅપ ડાલામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દિપક ફુલચંદ છોગા વણજારા (ઉં.વ.૨૪, રહે. અમદાવાદ)ને વિદેશી દારૂની ૧,૪૦૪ બોટલો સાથે ઝડપી પાડયો હતો. શખ્સની પુછપરછમાં દારૂનો જથ્થો રાજસ્થાનના ઝાલોર ગામેથી કાંતિ સેન ઉર્ફે રોહીત મારવાડીએ ભરી આપ્યો હોવાનું ખૂલ્યું હતું. એલસીબીએ રૂ. ૪.૯૧ લાખનો દારૂ, પીકઅપ ડાલુ અને રોકડ સહિત કુલ રૂ.૬.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.