- સોમવાર રાત્રેથી જ પગપાળા યાત્રા સંઘોનો સૈલાબ
- મળસ્કે 4 કલાકે માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગૂંજી ઉઠયું
- પાવાગઢ ખાતે ચૈત્રી પૂનમે એક લાખ માઇભકતો ઊમટયાં હતાં
સુપ્રસિધ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી પૂર્ણ થયા બાદ આજે ચૈત્રી પૂર્ણિમા ના રોજ એક લાખ ઉપરાંત માઇભકતો માતાજીના દર્શનાર્થે ઉમટી પડયા હતા. માતાજીના ભક્તોએ માતાજીના ચારણમાં શીશ નમાવી ધન્ય બન્યા હતા. જોકે ચાલુ વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન રજાના દિવસોને બાદ કરતા નવરાત્રી માં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. જ્યારે પૂનમના દિવસે માતાજીના દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા અને તેમાં પણ ચૈત્રી પૂનમ હોય પાવાગઢ ખાતે ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો.
પૂનમ ના રોજ પણ ભક્તો માતાજીના દર્શન કરવા વિશેષ આવતા હોય છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી તેમજ અન્ય રાજ્યો જેવાકે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાંથી માઇભકતો માતાજીની આરાધના કરવા માટે આવતા હોય છે. મંગળવાર ના રોજ પૂનમ હોય સોમવાર રાત્રેથી જ પાવાગઢ તરફ્ જતા માર્ગ પર પગપાળા યાત્રા સંઘોનો સૈલાબ જોવા મળતો હતો. જોકે કાળઝાર ગરમીના કારણે માતાજીના ભક્તો ખાસ કરીને મધ્ય રાત્રીથી જ તેમજ વહેલી સવારે માતાજીના દર્શનનો લાહવો લેવા માટે રાત્રી દરમિયાન મંદિર પરિસર ખાતે પહોંચી ચૂક્યા હતા. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંગળવાર ને પૂનમ ના દિવસે મળસ્કે 4.00 કલાકે નીજ મંદિરના દ્વાર ખુલ્લા મુકતા મંદિર પરિસર ખાતે હાજર માઈ ભકતોએ જય માતાજી ના ભારે જય ઘોષ થી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. ભક્તો શિસ્તબદ્ધ તેમજ શાંતિ પૂર્વક માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા.
ચૈત્રી નવરાત્રી બાદ પૂનમના દર્શનને લઈને એસટી દ્વારા સોમવાર મધ્યરાત્રી 12.00 વાગ્યા થી મંગળવાર બપોરે 4.00 વાગ્યા સુધી એસ.ટી. નિગમ દ્વારા તળેટી થી માંચી સુધી 36, બસ અપ એન્ડ ડાઉન કરાતા 832, ઉપરાંત ટ્રીપ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.