બનાસકાંઠા: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આ સિઝનમાં સરીસૃપ પ્રાણીઓ ખોરાકની શોધમાં બહાર નીકળતા હોય છે. અમુક સમયે સાપ સહિત અન્ય ઝેરી જીવજંતુઓ રહેણાંક વિસ્તારમાં વધુ જોવા મળતા હોય છે. જેથી કેટલાક નિર્દોષ લોકો અજાણતા ઝેરી સાપના સંપર્કમાં આવતા સર્પદંશનો ભોગ બનતા હોય છે. જેથી ભયના મારે અનેક લોકો સાપ સહિત અન્ય ઝેરી જીવજંતુઓને મારી નાખતા હોય છે. જો કે, પાલનપુરમાં છેલ્લા 15 વર્ષથી 10 યુવા મિત્રોની ટીમ ‘વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ’ દ્વારા આવા સરીસૃપ પ્રાણીઓને બચાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
10 યુવાનોની ટીમે 45 હજારથી વધુ સરીસૃપ પ્રાણીઓનું રેસ્કયુ કર્યું
પાલનપુરમાં છેલ્લા 15 વર્ષથી ‘વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ’ દ્વારા પાલનપુરના મનીષ સેગરા, ગોપાલ મીના, અને મોહસીન સહિત 10 યુવાનોની ટીમ ઝેરી જીવજંતુઓને બચાવવાનું કાર્ય કરી રહ્યા છે. આ અંગે માહિતી આપતા મનીષ સેગરાએ જણાવ્યું હતું કે, “આજથી 15 વર્ષ પહેલા એક સાપ રેણાક મકાનમાં આવી ગયો હતો અને તે સાપને લોકોએ મારી નાખ્યો હતો. જે બાદ અમે આદર્શ યુવાનોની ટીમ સાથે મળી જેવી રીતે આપણને આ ધરતી પર જીવવાનો હક છે. તેવી જ રીતે આ સરીસૃપ પ્રાણીઓને પણ આ ધરતી પર જીવવાનો હક છે.” તે નક્કી કરી આ કાર્ય શરૂ કર્યું હતું. જે બાદ પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારમાં જ્યાં પણ સાપ સહિત અન્ય ઝેરી જીવો રહેણાંક વિસ્તારમાં જોવા મળે ત્યાં આ 10 યુવાનોની ટીમ સાપ સહિત ઝેરી જીવોને બચાવવાનું કાર્ય કરે છે. સાથે જ લોકોને આ સરીસૃપ પ્રાણીઓને ન મારવા અપીલ કરી રહ્યા છે.
અત્યાર સુધી 45 હજાર કરતાં વધુ સરીસૃપ પ્રાણીઓનું રેસ્ક્યુ કર્યું
પાલનપુરના આ 10 યુવાનોની ટીમ પાલનપુરથી લઈ દાતા સહિત આજુબાજુના વિસ્તારોમાં ક્યાંય પણ રહેણાંક વિસ્તારોમાં સાપ સહિત ઝેરી જીવો જોવા મળે તો, ત્યાં પહોંચી તેમનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે ગાઈડ લાઈન પ્રમાણે જંગલ વિસ્તારમાં છોડી મૂકે છે. આ ટીમ દ્વારા છેલ્લા 15 વર્ષમાં અત્યાર સુધી 45 હજાર કરતા વધુ સાપ સહિત અલગ અલગ ઝેરી જીવોનું રેસ્ક્યુ કરાયું છે.
લોકોને જાગૃત કરવા કરી આવી અપીલ
લોકોને જાગૃત કરતા ટીમના યુવાનોએ જણાવ્યું હતું કે, “ક્યાંય પણ આવા સરીસૃપ પ્રાણીઓ જોવા મળે તો, ગભરાવું નહીં અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ તેમજ અમારા જેવા યુવાનોનો સંપર્ક કરવો. આ સિવાય જો કોઈ વ્યક્તિ સરીસૃપના દંશનો ભોગ બને તો, અંધશ્રદ્ધામાં આવવું નહીં અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર મેળવવા જવું જોઈએ.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર