- વરસાણા સીમમાં કંપનીના વાડામાંથી 1.65 લાખની સામગ્રીની ચોરી
- કંપનીના સુપરવાઈઝરની ફરિયાદ પરથી પોલીસ તપાસમાં પરોવાઈ
- પોલીસે ફરિયાદ નોંધાવી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા
અંજાર તાલુકાના વરસાણા ગામની સીમમાં આવેલ અગ્રવાલ રાઈડસ કંપનીના વાડામાં કોઈ અજાણ્યા ઈસમો ત્રાટક્યા હતા. વાડામાં પાર્ક કરેલ 15 પૈકી 9 ટ્રકોમાંથી તસ્કરોએ ટાયર, ડીસ, બેટરી વગેરે મળી કુલ્લે રૂપિયા 1.65 લાખની સાધન સામગ્રીની ચોરી કરી પલાયન થઈ જતા ગુનો નોધાવા પામ્યો છે.
અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈ તા.4/8 ના રાત્રિના 10 થી તા.5/8 ના સવારના 5.30 વાગ્યા સુધીમાં આ બનાવ બન્યો હતો. તાલુકાના વરસાણા સીમમાં શંભુ કચરા ઝરૂના ખેતરમાં અગ્રવાલ રાઈડસ પ્રા.લી.કંપનીનો વાડો બનાવામા આવ્યો છે. જેમાં 15 ટ્રકો પાર્ક કરેલી હતી. ત્યારે રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો વાડામાં ધસી ગયા હતા. તસ્કરોએ ટ્રકમાંથી ડીસ સાથે 8 ટાયર, 6 બેટરી, 3 સેફ્ટી ગાર્ડ વગેરે મળી કુલ્લે રૂપિયા 1,65,000ની સાધન સામગ્રીનો સફાયો કરી નિશાચરો પલાયન થઈ ગયા હતા. ચોરીની ઘટનાની જાણ થતા કંપનીના સુપરવાઈઝર ધર્મેન્દ્રસિંહ પરબતસિંહ જાડેજાએ કંપનીના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી તેમજ આસપાસમાં તપાસ કરી હતી, પરંતુ કોઈ કડી મળી ન હતી. જેથી અંજાર પોલીસ મથકે ફોજદારી નોધાવી છે. જે અંગે પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.