- છાત્રાનો જીવ બચાવવા 3 નાગરિકોએ જાનની બાજી લગાવી હતી
- શહેરમાં એક ઈંચ વરસાદમાં વરસાદી પાણી ભરાઈને આફતરૂપ બન્યાં
- ખુલ્લી ગટરો તેમજ વરસાદી પાણી નિકાલના સ્થળોએ બેરિકટિંગ સહિતની કામગીરી હાથ ધરી
વિસનગરમાં થલોટા રોડ ઉપર શુકન હોટલના સામેની વરસાદી પાણી નિકાલની કેનાલમાં સરદાર સ્કુલમાં ધો. 8માં ભણતી વિદ્યાર્થિની જિયા વિજયકુમાર નાયી શુક્રવારે સાંજે ભારે વરસાદના કારણે પાણીના ધસમસતા વહેણમાં કેનાલમાં પડી જતાં મોતને ભેટી હતી. સમગ્ર ઘટનાને લઈ નગરજનોમાં ભારે રોષ લાગણી છે.
જ્યારે સરદાર સ્કુલના ઉચ્ચ પ્રાથમિક શાળાના મંત્રી ભોગીભાઇ ડી. પટેલે જણાવ્યુ હતુ કે શુક્રવારે તા. 5મી ઓગસ્ટે ઘટનાની જાણ થતાં શાળાના શિક્ષકો અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.બે કલાકની મથામણ પછી કેનાલમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. કરૂણ ઘટનાથી સમગ્ર શાળા તેમજ વિસનગરમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.શનિવારે શાળામાં વિદ્યાર્થીના મોતનો શોક નિમિત્તે રજા પાડવામાં આવી હતી. સ્ટાફ અને કર્મચારી વિદ્યાર્થીનીના ઘરે જઇ શોક વ્યક્ત કર્યો હતો.
આ બાબતે વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તંત્રના અધિકારીઓની મિટીંગ બોલાવી હતી. જેમાં વિસનગરના રોડ પર આવેેલી ગટરો, વરસાદી પાણીના નિકાલના નાળા તેમજ કેનાલોમાં ફરીવાર આવી ઘટના ન બને તે સારૂ બેરીકેટિંગ અથવા રેલીંગ તેમજ સિમેન્ટની પાકી દિવાલની આડાશ કાયમ રહે તે રીતની નગરપાલિકાના ચીફ ઓફિસરને સુચના આપી છે. જે આધારે નાળા તેમજ કેનાલોના માપ લેવાની કામગીરી શરૂ કરી છે. જેમાં નાયબ કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
છાત્રાનો જીવ બચાવવા 3 નાગરિકોએ જાનની બાજી લગાવી હતી
વિસનગર પાસેના કાંસા રામપુરા ગામના 75 વર્ષીય અમૃતભાઇ પટેલે જણાવ્યુ હતુ કે વરસાદી પાણીની કેનાલમાં એક દિકરી પડી ગઈ હતી. તેને બહાર કાઢી હતી ત્યાંજ સાઇકલ પર જતી બીજી વિદ્યાર્થિની અંદર પડી ગઇ. તેને બચાવવા કોઇપણ જાતના રસ્સા વગર તેઓ તુરત જ કેનાલમાં પડી તેને શોધવા જીવના જોખમે કેનાલમાં 15 ફુટ અંદર પેસી ગયો હતો. ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારો જીવ લેજે પણ દિકરી બચાવજે. પરંતુ જીયા બચી શકી ન હતી. જ્યારે વિસનગર છઁસ્ઝ્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિનાયક અને વિજય નામના બે યુવકોએ પણ કેનાલમાં પડીને જીયા નાયીને બહાર લાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. પરંતુ તેને બચાવી ન શક્યાનો બંનેએ વસવસો વ્યક્ત કર્યો હતો.