- સુજલામ સુફલામ યોજના અંતર્ગત 84 લાખના ખર્ચે લાઇન નંખાઇ
- પાંચ મહિના પહેલા કેનાલથી તળાવ લીંક કરવાનું કામ શરુ કરાયુ હતુ
- સરકાર દ્વારા 84 લાખ જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવી હતી
દહેગામના પાટનાકુવાના સામલી તળાવને નર્મદાના નવાનીરથી છલોછલ ભરવામાં આવતા ગ્રામજનો પાણીને વધાવવા માટે ઉમટી પડયા હતા. તળાવમાં ભરવામાં આવેલા પાણીનો ઉપયોગ પાટનાકુવા તથા ધણિયોલ સહીત આસપાસના વિસ્તારોના ખેડૂતોને સિંચાઇ માટે ખુબ જ ઉપયોગી થશે. નવાનીરને વધાવવા ગ્રામજનોની એક સભા પણ બોલાવામાં આવી હતી .સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ તળાવ ભરવા માટે સરકાર દ્વારા 84 લાખ જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવી હતી અને પાઇપલાઇન નાંખવાનુ કામ શરુ કરાયુ હતુ.
પાટનાકુવા ગામના ખેડૂત અને દુધ મંડળીના ચેરમેન જીવણભાઇ પટેલે જણાવ્યુ કે પાટનાકુવા ગામમાં પાણીના તળ 350 ફુટ કરતા પણ વધુ ઉંડા ઉતરી ગયા છે અને પાણી મેળવવુ અઘરુ બન્યુ છે. ગામના સુકાભઠ્ઠ અને ખાલી પડી રહેલા સામલી તળાવને કેનાલના પાણીથી ભરવા માટે ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા અવાર નવાર ધારાસભ્યને રજુઆત કરી હતી. ખેડુતો પશુપાલકોને ચોમાસા સિવાય આખુ વર્ષ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પાણીના સંગ્રહ માટે તળાવ ગામમાં ઉપલબ્ધ હોવાથી તળાવને કેનાલ સાથે લીંક કરવામાં આવે એવી માંગ હતી. જે પુરી થતા ગામજનો તળાવમાં આવેલા છલોછલ પાણીને વધામણા કરવા ઉમટી પડયા હતા.દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે જણાવ્યુ કે ખેડૂતો, પશુપાલકોને પડી રહેલી હાલાકીનો ચિતાર ભારપુર્વક સરકારમાં રજુ કર્યો હતો . જેને ખાસ કિસ્સામાં ઓગષ્ટ-2022માં કેનાલથી તળાવ લીંક કરવાના કામને મંજુરી આપી દેવામાં આવી હતી. સુજલામ સુફલામ યોજના હેઠળ પાટનાકુવા ગામના સર્વે નંબર 257 માં આવેલા સામલી તળાવને હાથમતિ ગુહાઇ પાઇપલાઇનની સાંકળ 23480 મી. પરના હયાત સ્કાવર વાલ્વથી આશરે 6.180 કિલોમીટરના અંતરે આવેલા તળાવને કેનાલ સાથે જોડવા પાંચ માસ પહેલા કામગીરી શરુ કરાઇ હતી . જે પુર્ણ થતા આજે તળાવ ભરવામાં આવતા ગ્રામજનો અને ખેડૂતોમાં હર્ષ છવાયો હતો. અંદાજીત 84 લાખ રુપિયાની ખર્ચથી કામ પુરુ કરાયુ હતુ. આગામી દિવસોમાં પાટનાકુવા , ધણિયાલે તથા આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઉંચા આવશે અને ખેડૂ તોને મોટી રાહત થશે. તળાવના નીર વધાવવાના પ્રસંગે સાસંદ હસમુખ પટેલ પણ હાજર રહ્યા હતા.