Patan Ragging Case Update: પાટણમાં ધારપુર મેડિકલ કૉલેજમાં અનિલ મેથાણિયા નામના વિદ્યાર્થીના શંકાસ્પદ મોતથી મામલો ગરમાયો છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, વિદ્યાર્થીનું મોત સિનિયર દ્વારા રેગિંગ કરવાના કારણે થયું છે. જેના પગલે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ કૉલેજ દ્વારા પણ તપાસ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે હેઠળ કૉલેજે 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. એન્ટી રેગિંગ કમિટિનો રિપોર્ટ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મૃતક મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાનો રહેવાસી છે.
ઘટના સામે આવતાં જ કૉલેજ દ્વારા એન્ટી રેગિંગ કમિટિ સાથે બેઠક કરવામાં આવી હતી. આ મિટિંગ દરમિયાન કૉલેજે કમિટિને તપાસના આદેશ આપી રિપોર્ટ મંગાવ્યો હતો. કમિટિએ તપાસ કરતાં જે રિપોર્ટ આપ્યો તે મુજબ કાર્યવાહી કરી કૉલેજે 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
શું હતી સમગ્ર ઘટના
શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કૉલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થઈ તેનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીના મોત બાદ પરિવારે આરોપ લગાવ્યો હતો કે, મારા દીકરાનું રેગિંગ કરવામાં આવ્યું હતું અને તેના કારણે તેનું મોત થયું છે. મૃતક વિદ્યાર્થીનો મૃતદેહ હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ સાથે જ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને આશરે સાડા ત્રણ કલાક સતત ઊભા રાખવામાં આવ્યા હતાં. આ દરમિયાન તેમને ગીતો ગવડાવવામાં આવ્યા, ડાન્સ કરાવવામાં આવ્યો અને ગાળો બોલી રૂમની બહાર ન જવાનો આદેશ આપી માહોલની મજા લીધી. વિદ્યાર્થીઓને આશરે ત્રણ કલાક સુધી શારીરિક અને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું હતું.
સમગ્ર મુદ્દે રવિવારથી જ એબીવીપી દ્વારા મોડી રાતે કૉલેજની બહાર પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મોડી રાત સુધી વિરોધ અને સૂત્રોચ્ચાર બાદ પોલીસ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે એબીવીપીના વિરોધ પ્રદર્શન કરનાર કાર્યકર્તાઓની અટકાયત કરી માહોલ શાંત કર્યો હતો.
ઘટના દરમિયાન હાજર વિદ્યાર્થીએ જણાવી આપવીતી
આ વિશે રેગિંગ દરમિયાન હાજર કૉલેજના જ એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, અમને વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, રાત્રે સાડા આઠ વાગ્યે રૂમમાં આવવું. અમે ત્યાં ગયા ત્યારે અમને ક્યાંથી છો વગેરે જેવા સવાલ કરવામાં આવ્યા. બાદમાં એક સિનિયર આવ્યા જેણે અમને ત્રણ કલાક જેટલું ઊભા રાખી સવાલો પૂછ્યા. આ દરમિયાન અમને ડોક નીચી રાખીને ઊભું રહેવાનું કહ્યું હતું. આ બધું જ એકદમ કડકાઈથી પૂછવામાં આવ્યું હતું. આ દરમિયાન અમારી સાથે રહેલો એક વિદ્યાર્થી ઢળી પડ્યો. બાદમાં અમે તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈને આવ્યા જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો.
આ પણ વાંચોઃ દોઢ કરોડની કાર સળગી અને ત્રીજા દિવસે કાર માલિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ
સમગ્ર મામલે તપાસ કરી રહેલી બાલીસણા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, યુવક એમબીબીએસના પહેલા વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયર દ્વારા તેનું ઇન્ટ્રોડક્શન ચાલતું હતું. આ દરમિયાન તે બેભાન થઈને મોતને ભેટ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. જોકે, સાચી વિગત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ સામે આવશે. ડીવાયએસપી કે. કે. પંડ્યાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીનું બોયઝ હૉસ્પિટલમાં ચક્કર આવતાં પડી જતાં મોત થયું હતું. આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી છે. મૃતકના લોકરની તપાસ કરાઈ છે. ધારપુર કૉલેજના સત્તાધીશો પાસેથી અહેવાલ મંગાવાયો છે. વિદ્યાર્થીઓનું રેગિંગ કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેનો અહેવાલે કૉલેજ પાસેથી આવ્યા બાદ તેમાં ગુનાહિત કૃત્ય જણાશે તો તેની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.