– પોલીસ મથકની નજીકના વિસ્તારો પણ સલામત નથી
– શાકમાર્કેટ નજીક હોમગાર્ડસ પોઈન્ટ ફાળવા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવા વેપારીઓની માંગ
સુરેન્દ્રનગર : પાટડી શહેરમાં પોલીસ સ્ટેશન પાસે આવેલી શાકમાર્કેટમાં છેલ્લા ધણા સમયથી ચોરીના બનાવો વધી રહ્યાં છે. જેને પગલે દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં તસ્કરોએ તાળા તોડી વજન કાંટા પણ ઉઠાવી જતા પોલીસ દ્વારા વધુ અને નાઈટ પેટ્રોલીંગની માંગ ઉઠવા પામી છે.
પાટડી પોલીસ સ્ટેશન નજીક આવેલી શાકમાર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવ વધ્યા છે. પાટડી પોલીસ મથક નજીક હોવા છતાં તસ્કરોને જાણે કોઈપણ જાતનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે. જેમાં થોડા દિવસો પહેલા શાકમાર્કેટની એક દુકાનના તાળા તોડી તસ્કરો રોકડ રકમ ભરેલ પેટી ઉઠાવી ગયા હતા જે મામલે ભોગ બનનાર દુકાનદારે પાટડી પોલીસ મથકે લેખીત અરજી કરી હતી. પરંતુ તે સમયે પાટડી પોલીસ મથક દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો નહોતો. ત્યારે તાજેતરમાં ચોરાઈ ગયેલી પેટી ભોગ બનનાર દુકાનમાં કામ કરનાર શખ્સ શોધખોળ કરી રહ્યો હતો ત્યારે સેવાસદન પાછળથી તુટેલી હાલતમાં મળી આવી હતી. આમ પાટડી પોલીસ મથકની નજીકમાં આવેલી શાકમાર્કેટ પણ હવે સલામત નથી. અંદાજે એક મહિના પહેલા એક બાઈકની પણ ચોરી થઈ હતી જે બાઈકચોરને બજાણા પોલીસે ઝડપી લીધો હતો ત્યારે વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી દુકાનદારોમાં પણ ભય જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં હોમગાર્ડસ પોઈન્ટ ફાળવવામાં આવે તેમજ રાત્રી પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.