- વિસનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રીની વિજય વિશ્વાસ જનસભા
- ભાજપને મત એટલે દેશની સુરક્ષા અને સીમાડા વધુ મજબૂત બનશે : ગૃહ મંત્રી
- આ ઉપરાંત તા.1લી જાન્યુઆરી, 2024માં અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનશે
વિસનગરમાં ભાજપની વિજય વિશ્વાસ જન આશીર્વાદ સભામાં લોકો મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા. સભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે ઋષિકેશ પટેલ ચૂંટાશે તો ધારાસભ્ય નહીં પણ સીધા મંત્રી બનશે અને ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર બનશે, ઉપર નરેન્દ્રભાઇ મોદીની સરકાર છે. જે ત્રિપલ એન્જીન સરકાર બનવા જઇ રહી છે. આ વખતે ભાજપને મત એટલે દેશની સુરક્ષા, સીમાડા વધુ મજબુત બનશે. આ ઉપરાંત તા.1લી જાન્યુઆરી, 2024માં અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
સભાના આરંભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઋષિકેશ પટેલ, સાંસદ શારદાબેન પટેલ, અશોકભાઇ ચૌધરી, પ્રકાશભાઇ એસ. પટેલ(એસ.કે. યુનિવર્સિટી ચેરમેન)એ સ્વાગત કર્યુ હતુ. વિસનગરના આગેવાનો રાજુભાઇ કે. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ, કાંસાના જયરાજસિંહ રાજપુત, રાજુભાઇ ચૌધરી તેમજ પદાધિકારીઓ, વિસનગર પાલિકા પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલે પણ ગૃહ મંત્રીનું સન્માન કર્યુ હતુ. જ્યારે વિસનગરના રબારી સમાજના અગ્રણીઓએ પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ હતુ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કોંગ્રેસની કેન્દ્ર સરકારે ગુજરાતના વિકાસમાં રોડાં નાખવાનું કામ કર્યુ હતુ. જ્યારે આપણા માદરે વતન વડનગરના સપુત નરેન્દ્રભાઇ મોદી વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી ગુજરાતની રોનક બદલાઇ છે.
તોફાનો કરવાવાળા શાંત પડી ગયા છે, તે શોધ્યા મળતા નથી. ભારતીય જનતા પાર્ટીને મત એટલે દેશની સુરક્ષા, સલામતી, યુવાનોના ભવિષ્યને મત. ગુજરાતના ખેડુતોને કોંગ્રેસના શાસનમાં વિજળી 7 કલાક આવતી હતી. જ્યારે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતમાં 24 કલાક વિજળી મળી છે તેમજ ઉત્તર ગુજરાતમાં પાણીની અછત (ડાર્ક ઝોન) લાગેલો હતો. 1170 ફુટે પાણી હતુ જ્યારે હવે 950 ફુટે પાણી લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યુ છે. નર્મદા યોજના માં રોડાં નાખવાનું કામ કોંગ્રેસે કર્યુ હતુ જ્યારે નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ઘરે ઘરે તેમજ ખેતરમાં પાણી મળી રહે તેવી યોજનાઓ અમલમાં મુકી છે. કોંગ્રેસીઓ તમારી પાસે મત માંગવા આવે ત્યારે હિસાબ માંગજો. રાહુલબાબા પદયાત્રામાં મેઘા પાટકરને લઇને નીકળ્યા છે જેને નર્મદાના વિકાસના કામમાં રોડાં નાખ્યા હતા. કોરોનાની કામગીરીમાં વિસનગર સિવિલ અને નૂતન મેડિકલ હોસ્પિટલને યાદ કરી હતી અને સાંકળચંદ પટેલ કોલેજની જગ્યાએ હવે યુનિવર્સિટીમાં સ્થાન મેળવ્યુ છે. વિસનગર દાનવીરોની નગરી છે જે કોરોનાકાળમાં લોકોને રાત દિવસ મદદ કરી હતી. છેલ્લા 10 વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં નવિનિકરણનું 22 કરોડના ખર્ચે કામ ચાલુ છે, 150 કરોડ ના ખર્ચે વિસનગર શહેર અને 54 ગામો માટે યોજના બની છે, એમ.એન. કોલેજમાં વિજ્ઞાન ભવન બન્યુ છે.
ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે વિસનગર પંથકની જનતાની ત્રણ ટર્મ સેવા કરવાની જે તક આપી છે, પ્રજાનો રૂણી છું. મારા ઉપર વિશ્વાસ મુકી ભાજપના કમળને મત આપશો જે દેશના અને ગુજરાતના વિકાસનું સહભાગી બનશે.