Bhuj News : જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારત-પાકિસ્તાનની રણ સીમાને અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. તમામ સ્થળોએ ચેકીંગ સઘન બનાવાઈ છે.
ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલ આર.ઈ. પાર્ક ખાતે જ્યાં મોટી સંખ્યામા શ્રમજીવીઓ સોલાર પ્રોજેકટ માટે કામ કરી રહ્યા છે તે સ્થળ પ્રતિબંધિત છે જ્યાં મંજૂરી લઈને જવાનું હોય છે. આ સ્થળ પર ખાવડા પોલીસ દ્વારા તમામ વાહનોની ચેકીંગ કરવામાં આવી રહી છે. ખાવડા પોલીસ ઈન્સ્પેકટર વી.બી. પટેલના જણાવ્યા પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ લાગતા ઈસમોની પૂછપરછ શરૂ કરાઈ છે. બીજી તરફ સીમા સુરક્ષા દળની બટાલીયન દ્વારા મહત્વની ગણાતી વિઘાકોટ, ધર્મશાળા, ભેડીયાબેટ, હરામીનાળા, કોરીક્રીક, પીરસવાઈ, બેલા, જખૌ સહિતના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવી છે.
ભુજ રેલવે પ્રોટકશન ફોર્સના પોલીસ ઇન્સપેકટર મોહન ખીચીના જણાવ્યા પ્રમાણે ભુજ, અંજાર, ગાંધીધામ, સહિતના રેલવે સ્ટેશનો પર અવરજવર કરતી તમામ ટ્રેનોનું પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પ્રવાસીઓને પણ સાબદા કરવામાં આવ્યા છે. સતત માઈક દ્વારા પ્રવાસીઓને અજાણી વસ્તુઓ ન અડવા તેમજ આ બાબતની જાણકારી પોલીસને કરવા જણાવાય છે.
સાથે સાથે કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી ચેકપોસ્ટ પર અવરજવર કરતા તમામ વાહનોની રાઉન્ડ ધ કલોક ચેકીગ કરવામાં આવી રહી હોવાનું પોલીસ ઇન્સ્પેકટર વી.કે. ગઢવીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય એ છે કે સરહદી જિલ્લામાં અવારનવાર ઘુસણખોરો તેમજ માદક પદાર્થ ઝડપવાનો સીલસીલો જોવા મળે છે તેવા સમયે કોઈપણ બેદરકારી ન રહે તે માટે એજન્સીઓ એલર્ટ બની છે.