લખપત ઉમરસર ખાણમાં ગુપ્ત ભાગમાં સળીયો વાગતાં ડ્રાઇવરનું મોત
નાના કપાયામાં વીજ વાયરનાં સંપર્કમાં આવેલા યુવકનો જીવ ગયો
ભુજ: પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે. માધાપરમાં યુવાને અકડ કારણોસર પોતાના ઘરમાં ફાંસો ખાઇ જીવન ત્યાગ્યું હતું. તો, મુંદરાના નાના કપાયા વાયરીંગનું કામ કરતા યુવક માટે વીજ વાયર યમદૂત બન્યો હતો. જ્યારે લખપતના ઉમરસર ખાણમાં લઘુશંકા કરી રહેલા યુવાનને ટ્રકની ટકકર લાગતાં ગુપ્તભાગે સળીયો વાગતાં તેનું મોત નીપજ્યું હતું.
માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ જુનાવાસ મતિયા કોલોનીમાં રહેતા ૨૦ વર્ષીય સનાઉલ્લા ઓસમાણ જુણેજા નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ગુરૂવારે રાત્રીના સાડા અગ્યાર વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં હતભાગીને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કરતાં માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. તો, નખત્રાણાના લીફરી ગામે મેવાનગરમાં રહેતા ઉમેદસિંહ મહેન્દ્રસિંહ સોઢા (ઉ.વ.૪૫) રાત્રીના લખપત તાલુકાના ઉમરસર ખાણમાં લોડીંગ અનલોડી વિભાગમાં હતા. ત્યારે લઘુશંકા કરવા ગયા ત્યારે તેમને રીવર્સમાં આવતી ટ્રકની ટકકર વાગતાં ગુપ્તભાગે ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે ભુજ જી.કે.માં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. દયાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે મુંદરા તાલુકાના નવીનાળ ગામે રહેતા ૩૬ વર્ષીય કાંતિભાઇ હરીલાલ થારૂ નામનો યુવાન ગત ૧૬ ઓકટોબરના સાંજે પાંચ વાગ્યાના સમય દરમિયાન નાના કપાયા ગામે યશ પાણીના પ્લાન્ટની બાજુમાં વાયરીંગનું કામ કરતો હતો. તે દરમિયાન લોખંડનો ઘોળો ખસેડતી વખતે ઉપરથી પસાર થતી ઇલેકટ્રીક લાઇનના સંપર્કમાં આવી જતાં વીજ કરંટ લાગ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી.