- વનરક્ષક પરીક્ષાનું પેપર વાઇરલ
- પાલિતાણાના ક્લાસિસ સંચાલકની કબૂલાત
- પોલીસે સંચાલક અને મિત્રને ઝડપી પાડયા, પરીક્ષાર્થી ફરાર
રાજ્યમાં વનરક્ષક વર્ગ-3ની ભરતી માટે લેવાયેલી ચાલુ પરીક્ષા દરમિયાન પાલિતાણાના કલાસીસ સંચાલકે પેપર વાયરલ કર્યાના યુવા નેતાના ગંભીર આક્ષેપ પ્રકરણે ઝડપાયેલાં પાલિતાણાના કલાસીસ સંચાલકે તેના મિત્ર મારફતે એક પરીક્ષાર્થી તરફથી ચાલુ પરીક્ષાએ મળેલાં પ્રશ્નપત્રના અમુક જવાબો લખી પરત મોકલ્યાની કબૂલાત આપતા સમગ્ર વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બનાવને લઈ પોલીસે ત્રણ ઈસમો વિરૂદ્વ ગુન્હો નોંધી સંચાલક અને તેના મિત્રને ઝડપી લીધા હતા. જયારે, પરીક્ષાર્થી ફરાર હોય તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. ગત રવિવારના રોજ ગુજરાત યુનિ. પ્રોફેશનલ પરીક્ષા સમિતિ દ્વારા વનરક્ષક વર્ગ-3ની 344 ખાલી જગ્યાઓ માટેની બપોરના 12 કલાકથી 2 કલાક દરમિયાન ભરતી પરીક્ષા યોજાઈ હતી.
જેનું પેપર ચાલુ પરીક્ષાએ પાલિતાણાના એકેડેમી સંચાલકે વાયરલ કર્યાનો યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરતાં ભાવનગર પોલીસે મંગળવારે પાલિતાણામાં આવેલી યુવા એકેડેમીના સંચાલક અને વ્યવસાયે પ્રાથમિક શિક્ષક મહેશ રવજી ચુડાસમા (રહે.ભદ્રાવળ-1, તળાજા હાલ-પાલીતાણ)ને ઉઠાવી પૂછપરછ હાથ ધરી હતી. સંચાલકે તેનાં મિત્ર અને સામાજિક કાર્યકર નિલેશ મકવાણા (રહે.વરતેજ)ના મોબાઈલ પરથી વનરક્ષક પરીક્ષાનાં પ્રશ્નપત્રનો ફેટા આવતા તેમાં અમુક જવાબ તૈયાર કરી તેને પરત મોકલી આપ્યાની કબૂલાત આપી હતી. એટલું જ નહીં, સંચાલકે આ ફોટો તેની એકેડેમીનાં ગ્રુપમાં બપોરના 1:04 કલાકે વાયરલ કર્યા બાદ બનાવ અંગે ગંભીરતા જણાતા ફેટા તથા મોકલી આપેલ જવાબો બપોરના 1:39 મિનિટે ડિલિટ કર્યાની કબૂલાત આપી હતી.
પોલીસે ખાનગી કંપનીમાં નોકરી કરતાં નિલેશ મનજી મકવાણાને ઝડપી લીધો હતો. નિલેશે કબૂલાતમાં જણાવ્યું કે, તેની સાથે કામ કરતા અને છ વર્ષથી સંપર્કમાં રહેલા હરદેવસિંહ કરશન પરમાર (રહે. જુના પાદરગઢ, તા.તળાજા)એ શહેરની જ્ઞાનગુરૂ શાળા સ્થિત પરીક્ષા કેન્દ્ર ખાતેથી તેના મોબાઈલ પરથી પેપર ફોટા પાડી મોબાઈલમાં મોકલી આપ્યું હતું. બન્ને ઈસમોની પૂછપરછના અંતે પરીક્ષાર્થી હરદેવસિંહ પરમારને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે. જયારે, બનાવ અંગે તકેદારી અધિકારી ધવલકુમાર પ્રતાપભાઇ અડવાણીએ ત્રણેય ઇસમો સામે વિશ્વાસઘાત કર્યાની તથા પૂરાવાનો નાશ કરવાની કલમ તથા આઇ.ટી. એકટની કલમ હેઠળ નિલમબાગ પોલીસમાં ગુન્હો નોંધાવ્યો હતો.