- વેલ્દા ટાંકીમાંથી છોડાતું પીવાલાયક પાણી પાઇપલાઇનમાં ભંગાણને લીધે સીધું ખેતરોમાં
- ગામોમાં પીવાના પાણી માટે વલખાં જ્યારે લાખો લિટર પીવાના પાણીનો થતો વેડફાટ
- કરોડોની આ તરસ છીપાવનારી યોજનામાંથી નિયમિત પાણી તો છોડાઇ
નિઝરની વેલ્દા ટાંકી પાણી યોજના હેઠળ આસપાસના અનેક ગામોને પીવાના પાણીની સુવિધામાં સમાવેશ કરવામાં આવ્યા હોય, કરોડોની આ તરસ છીપાવનારી યોજનામાંથી નિયમિત પાણી તો છોડાઇ છે, પરંતુ પાઇપલાઇનમાં નાના-મોટા લીકેજ ઠેર-ઠેર હોવાથી ગામોમાં પાણી પુરવઠો ઘરો સુધી પહોંચવાને બદલે રસ્તામાં જ કોતરો, ખેતરોમાં વહી જતા ભરચોમાસા જેવા દ્દશ્યો જોવા મળે છે. દરરોજ લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. બીજી તરફ ગામોમાં પાણીની તંગીને લીધે રહીશો ઉનાળામાં પાણી મેળવવા વલખાં મારી રહ્યા છે.
નિઝર તાલુકાના વેલ્દા ગામના ચાર રસ્તા પાસે વર્ષો પહેલા નિઝરના પૂર્વ અને પશ્ચિમના વિસ્થાપિત તથા રેવન્યૂ ગામોને પીવા, ઘરવપરાશ તથા પાલતું જાનવરોને પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે અદ્યતન પાણી યોજના અમલી બની હતી. કરોડોની યોજનાનું લોકાર્પણ જે તે સમયે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે થયું હતું. ત્યારબાદ આ યોજના નિઝર તાલુકાના પૂર્વ અને પિૃમના ગામોના રહીશો માટે તરસ છીપાવનારી મહત્ત્વાકાંક્ષી બની હતી. પરંતુ વર્ષો પછી યોજનામાં વારંવાર ભંગાણ અને પાઇપલાઇન લીકેજની ઘટના બનતી રહી છે.
હાલમાં ખોડદા અને બોરદા ગામની સીમમાં પાઇપલાઇનમાં પડેલા ભંગાણમાંથી પાણીનો પુરવઠો સીધો વહીને કોતરો અને ખેતરોમાં વ્યર્થ વહી રહ્યો છે. જાણે કે પ્રથમ દ્દષ્ટિએ જોતા આ વિસ્તારમાં કમોસમી વરસાદ થવાથી ખાડા-ખાબોચિયા તથા કોતરોમાં પાણી…પાણી.. હોવાની અનુભૂતિ થાય છે. પરંતુ હકીકતમાં પીવાલાયક પાણીનો લાખો લિટર પાણીનો પુરવઠો વેડફાઇ રહ્યો છે. જવાબદારો નિયમોનુસાર વેલ્દા ટાંકી યોજનામાંથી પાણી સપ્લાય કરે છે. પરંતુ જે રહીશોના ઘરો સુધી પહોંચવાના બદલે રસ્તામાં જ ખેતરો કે બંજર જમીનને સિંચી રહ્યો છે. જ્યારે બીજી તરફ પીવાનું પાણી ન મળવાથી ગામડાંઓમાં કાળઝાળ ઉનાળામાં ઊહાપોહ મચી રહ્યો છે. પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોને પોતાના પાલતું જાનવરો માટે પાણી પૂરતું ન મળવાથી જેની સીધી અસર દૂધની આવક ઉપર પડી રહી છે, પીવાના પાણી, ઘરવપરાશના પાણી મેળવવા અન્ય કામકાજ છોડીને બોર, કૂવા શોધવા પડે છે. હક્કનું પાણી વેડફાઇ રહ્યું છે જેની કોઇએ દરકાર સુધ્ધાં કરી નથી. ત્યારે પાણીના મૂલ્ય અને રહીશોની આવશ્યકતાને ધ્યાનમાં લઇને આવા મોટા ભંગાણને યુદ્ધના ધોરણે મરામત કરવા પાણી પુરવઠા વિભાગ બીડું ઝડપે તે જરૂરી છે.