• વીજબિલનું ભારણ વધવા સાથે પીવાના પાણી વ્યર્થ વહી રહ્યું
• નિરાકરણ લાવવામાં દુર્લક્ષતા દાખવતા જવાબદારોને જળ એ જ જીવનના પાઠ ભણાવવા જરૂરી
• કાળઝાળ ગરમીમાં જિલ્લાના અનેક ગામોમાં પાણીનો કકળાટ ત્યારે પાણીનો બગાડ કેટલો યોગ્ય ?
નિઝરના વેલ્દા ચાર રસ્તા પાસે ગુજરાત રાજયની પાણી પુરવઠાની અદ્યતન ટાંકી આવેલી છે. ત્યાં તાપી નદીમાંથી પાણી લાવી વેલ્દા પાણીની ટાંકી ખાતે એકત્ર કરવામાં આવે છે. શુધ્ધિકરણ કરાયેલા પાણીનો પુરવઠો લોકો સુધી સપ્લાય કરવા પુર્વ અને પશ્ચિમના ગામોમાં પાઇપલાઇન કરવામાં આવી છે. પરંતુ વિતેલા દિવસોમાં પાઇપલાઇનોમાં ભંગાણોને લીધે લોકો સુધી પહોંચતા પાણીની શુધ્ધતા ગાયબ થતી હતી. તેમજ અપુરતો પાણી પુરવઠો મળતો હતો. પાઇપલાઇનની મરામત માટે દર વર્ષે ટેન્ડરો બહાર પાડી ખાનગી એજન્સીઓને કામગીરી સોંપવામાં આવે છે. પરંતુ કામ કરનાર એજન્સીઓ મરામતમાં વેઠ જ ઉતારતી રહી છે. માત્ર ખાડાઓ ખોદી પાઇપલાઇનની મરામત કર્યા બાદ ખાડાઓનું પુરાણ થતું જ ન હોવાના અનેક કિસ્સા વિતેલા દિવસોમાં બન્યા છે. પાણી પુરવઠા દ્વારા રોજમદારો પાસે મરામતની કામગીરી કરાવવામાં આવી રહી છે. પરંતુ હાલમાં પાઇપલાઇનના વાલ્વમાંથી પાણીનો વેડફાટ થઇ રહ્યો હોવાના દ્દશ્યો ઠેર-ઠેર જોવા મળે છે. વાલ્વ બદલવા કે રીપેરીંગ કરવાના કામ પર ધ્યાન આપવામાં આવતું ન હતું. ટાંકીમાંથી પુર્વ-પશ્મિના ગામોમાં ફોર્સથી છોડવામાં આવતું પાણી વાલ્વમાંથી ફુવારારૂપે હજારો લીટરમાં વેડફાઇ રહ્યું છે. કાળઝાળ ગરમી અને અનેક ગામોમાં પાણીની તંગી વચ્ચે નિઝરમાં વેલ્દા ટાંકીના પાણી ખુલ્લા ખેતરો, રસ્તા ઉપર વહેતા થતા જેની કોઇ કિંમત ન હોવાનો નિસાસો જાગૃત નાગરીકો ઠાલવી રહ્યા છે. તાપી નદીમાંથી ટાંકી સુધી પાણી લાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સપ્લાય કરવા વિદ્યુત ખર્ચ જે યુનિટ દીઠ ગણવામાં આવે છે. વીજબિલનું ભારણ વધવા સાથે પીવાના પાણી વ્યર્થ વહી રહ્યું છે.