યાત્રાધામ ચોટીલા દારૂના કટિંગનું હબ બન્યું
૯૩૫ પેટી દારૂ, ટ્રેઇલર અને બોલેરો સહિત રૂા. ૯૦.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત, કિશોરની અટકાયત કરાઇ
ચોટીલા: યાત્રાધામ ચોટીલા દારૂના કટિંગનું હબ બન્યું હોય તેમ લાગી રહ્યું છે. ચાર દિવસ અગાઉ વિજિલન્સની ટીમે દારૂનો જથ્થો ઝડપ્યો હતો. ત્યારે નાની મોલડી ગામેથી વધુ એક વખત ગત રાતે કટિંગ વખતે ૬૫ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે. સ્થાનિકો પોલીસે ૯૩૫ પેટી દારૂ, ટ્રેઈલર અને બોલેરો સહિત રૂા. ૯૦.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક કિશોરની અટકાયત કરી છે.
ચોટીલા પોલીસ ટીમ ગત રાતે પેટ્રોલિંગમાં હતી. ત્યારે નાની મોલડી ગામની પાછળ ઉત્તર બાજુની સીમમાં જાનીવડલા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર બોટાદ જિલ્લાના ખાંભા ગામનો મુનાભાઈ અમકુભાઈ ખાચર મળતિયા સાથે દારૂની હેરાફેરી- કટિંગ કરી રહ્યો હતો. જ્યાં થોડે દૂરથી જોતા એક ટ્રેલર, ટ્રક અને બોલેરો ઉભી હતી અમુક લોકો ટ્રેઇલરમાંથી બોક્સ ઉતારી બોલેરોમાં ભરતા હતા, ત્યારે દરોડો પાડતા અંધારામાં લોકો નાસી છુટયાં હતા. જ્યારે એક કિશોર ઝડપાઈ ગયો હતો.
દરોડામાં દારૂ ભરેલું પંજાબ પાસિંગનું ટ્રેલર, બોલેરો, ૯૩૫ પેટી ઇંગ્લીશ દારૂ જેમાં દારૂની ૨૪,૦૬૦ બોટલો, ૧ મોબાઇલ મળી કુલ રૂ. ૯૦,૩૧,૮૫૬નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ ગુનામાં ચોટીલા પોલીસમાં બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાનાં ખાંભડા ગામનાં મુનાભાઈ અમકુભાઇ ખાચર, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, રણજીતભાઇ મનુભાઇ સાંથળીયા, કિશોરભાઈ વિજાભાઇ સાંથળીયા, વિશાલ કોળી, સુરેશભાઈ મારવાડી, ટ્રેલર ટ્રકનો ચાલક અને માલિક, બોલેરોનો ચાલક અને માલિક, દારૂનો જથ્થો મોકલનાર, તેમજ જથ્થો ઉતારવા આવનાર માણસો તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.
– ટ્રેલર પોલીસથી અઢી કલાકે વળ્યું, ઠંડીમાં પરસેવો વળ્યો
દરોડા બાદ દારૂ ભરેલું ટ્રેલર કટિંગના સ્થળે એવું હતું કે તેને વાળવામાં અઢી કલાક કરતા વધુ સમય લાગવા સાથે પોલીસને પરસેવો વળી ગયો હતો. દારૂનો જથ્થો પોલીસ સ્ટેશને લાવી ગણવામાં પોલીસને સવાર પડી ગઈ હતી.
– દારૂના મોટા જથ્થા સાથે પરપ્રાંતિય ટ્રેઈલર આવ્યું કઈ રીતે
નાની મોલડી સીમમાંથી ચોટીલા પોલીસે થોડા દિવસ પહેલા દારૂનો જથ્થો પકડી સાયલાના આરોપી સામે ગુનો નોંધ્યો હતો. ફરી આ ગામેથી જ દારૂનો મોટું કટિંગ સાથે બોટાદના આરોપીઓના નામ ખૂલ્યા છે. આવડા મોટો જથ્થા સાથે પરપ્રાતિય ટ્રેઈલર કટિંગ સ્થળે પહોંચ્યું કેવી રીતે. ત્યારે પકડાયેલા મોબાઇલના આધારે તપાસ શરૂ કરાઈ છે.
– ચોટીલા વિસ્તાર બુટલેગરો માટે સ્વર્ગ
ચોટીલાનો ગ્રામ્ય પંથકમાં મોટા ડુંગરાળ અને સપાટ વિસ્તાર મોટો છે, તેમજ અહીંનાં જુદા જુદા વિસ્તારોમાં અનેક મોટા ખરાબાઓ અને વીડી અને અવાવરૂ વિસ્તાર મોટા પ્રમાણમાં છે. જેથી દારૂનાં ધંધાર્થીઓ માટે સ્વર્ગ સમાન બનેલ હોવાનું કહેવાય છે.