- 1,600 કરોડની થાપણો ધરાવતી કડી નાગરિક સહકારી બેંકની કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન
- કડી નાગરિક બેંક સહકારી બેંકોમાં રાજયમાં 8મા ક્રમે સ્થાન ધરાવે છે : નીતિનભાઈ પટેલ
- પૂર્વ ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ગુરુવારના રોજ કરવામાં આવ્યું
રૂ.1,600 કરોડની થાપણો ધરાવતી કડી તાલુકા સહિત જિલ્લાની અગ્રણી અને રાજયની આઠમા ક્રમની શ્રી કડી નાગરિક સહકારી બેંકની નવીન કોર્પોરેટ ઓફીસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કડી ખાતે સહકાર રાજય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને અને પૂર્વ ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે બેંકની સ્થાપનામાં જેમનો સિંહ ફાળો હતો તેવા બે અગ્રણીઓ સ્થાપક ચેરમેન સ્વર્ગસ્થ રતિલાલ મગનલાલ પટેલ તેમજ સ્થાપક મેનેજિંગ ડિરેકટર સ્વર્ગસ્થ માણેકલાલ માધવલાલ પટેલની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ બેંકના સોવેનીયરનું વિમોચન પણ કર્યું હતું.
આ પ્રસંગે સહકાર રાજયમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે સહકારનો વિચાર મુક્યો અને આણંદમાં ત્રિભુવનભાઈ પટેલે, મહેસાણામાં માનસિંહભાઈ, બનાસકાંઠામાં ગલબાકાકા અને કડીમાં રતિલાલ કાકા જેવા વડીલોએ સહકારિતાને સમજીને સાર્થક કર્યો હતો. આઝાદીના 75 વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અલગ સહકારિતા વિભાગ ચાલુ કર્યો છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને તેમના વડપણ હેઠળ સહકારની કામગીરી નોંધનીય બની છે. રાજયમાં કો.ઓપરેટીવ ક્ષેત્રનું ટર્ન ઓવર દૂધના ઉદ્યોગમાં નોંધાનીય જોવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ખેડૂતની આવક બમણી કરવાની જે પરિકલ્પના છે તેમાં સહકારિતા ઉત્તમ પરિણામ આપી રહી છે. કોઈપણ પ્રકારનો વ્યવસાય કરવામાં સહકારી બેંકોનું ધિરાણ ખેડૂતો અને નાના રોકાણકારો માટે મહત્વનું બની રહે છે. સરકારે સહકાર વિભાગમાં પણ આધુનિકરણ કરતાં હવે, ખેડૂત કડીનો હોય કે ડાંગનો કોઈપણ સંસ્થા ખેડૂતનો માલ ઈનામ નામના પોર્ટલ પરથી ખરીદ-વેચાણ કરી શકે છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ આર.પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની સહકારી બેન્કોમાં કડી નાગરિક બેંક લિમિટેડ આઠમું સ્થાન ધરાવે છે. તેમજ રૂ.1,600 કરોડની થાપણો આ બેંક પાસે છે. આ સાથે પ્રગતિ, વિકાસની આધુનિકતામાં પણ કડી નાગરીક બેંક અગ્રેસર છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત અને ગુજરાતનો જે વિકાસ થયો છે તેમાં નાગરિકોની મૂડી સાચવવામાં સલામતી અને સુવિધા, સુરક્ષા માટે આજે સહકારી બેંક મહત્વનો રોલ ભજવી રહી છે. રીઝર્વ બેંકની મંજૂરી મળશે તો હજુ પણ વધુ શાખાઓ બેંક દ્વારા શરૂ કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.