- સંતરામપુરમાં ભૂપેન્દ્ર પટેલની જાહેરસભા યોજાઈ
- અગાઉ રાજ્યમાં 21 યુનિવર્સિટી હતી, અત્યારે 103 યુનિવર્સિટી છે
- ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે જાહેરસભા પ્રતાપપુરા મેદાન ખાતે યોજાઇ
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આજે 123-સંતરામપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે જાહેરસભા પ્રતાપપુરા મેદાન ખાતે યોજાઇ હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરસભા સંબોધતા જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોને વાચા આપી નિરાકરણ કરવું એ કાર્ય પદ્ધતિ પર અમારી સરકાર કામ કરી રહી છે. વર્ષોના વર્ષોથી જે પ્રશ્નોના ઉકેલો ન આવ્યા હોય તેવા પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ છેલ્લા બે દાયકાથી વિશ્વાસ મૂક્યો છે. રોડ, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્યના લાભો છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડવાના કામો અમારે ટીમે કર્યા છે.
સંતરામપુરમાં સાયન્સ કોલેજ પણ શરૂ કરાઈ છે. એટલે તો હવે આદિવાસીના દિકરા અને દીકરીઓ ડોક્ટર, એન્જિનિયર, સાયન્ટીસ્ટો, પાયલોટો બને છે. જે વિકાસની રાજનીતિના કારણે શક્ય બન્યું છે. ગરીબોના બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટેલ છે પહેલા 37% હતો, જે હવે ઘટીને ત્રણ ટકા જેટલો થયો છે. રાજ્યમાં 21 યુનિવર્સિટી હતી અત્યારે 103 યુનિવર્સિટીઓ છે. લોકોએ ભાજપ ઉપર ભરોસો મૂક્યો. જેના કારણે ગોધરામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટી અને વિરસા મુંડા યુનિવર્સિટી આદિવાસી વિસ્તારમાં શરૂ કરાય છે.
આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે છેવાડાના નાનામાં નાના ગરીબ માણસને લાભ મળે રોજગારી મળે તે માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીએ કર્યા હોવાનું જણાવીને ભાજપના ઉમેદવાર ડો. કુબેરભાઈ ડીંડોરને જીતાડવા માટેની હાકલ કરી હતી.
નારાજગીવાળા તમામ એક મંચ પર મળ્યા
123-સંતરામપુર વિધાનસભાની ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી માટે લોકોને ટિકિટ નહી મળતા થોડી ઘણી નારાજગી જોવા મળી હતી તેવા તમામ આગેવાનો આજે એક મંચ ઉપર જોવા મળ્યા હતા. જેમાં પ્રકાશભાઈ કટારા, વાઘાભાઈ, રણછોડભાઈ, કાળુભાઈ હતા. ત્યારે ઉમેદવાર ડો. કુબેરભાઈએ અમારી પાર્ટી એક છે અમે એક છીએ એક ભારત શ્રોષ્ઠ ભારતના સૂત્રને આગળ વધારી શું વિકાસના માર્ગે આગળ વધીશુંનું જણાવ્યું હતું. સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્યસભાના સાંસદ મીનાજી, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા મહામંત્રી, ઉપપ્રમુખો તેમજ સંતરામપુર વિધાનસભાના ઇન્ચાર્જ ગોપાલ બાપુ સહિત અન્ય અગ્રણીઓ મંચ ઉપર ઉપસ્થિત જોવા મળ્યા હતા.