જૂનાગઢ: પાછલા ત્રણ દિવસના સમયમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. અતિભારે પડેલા વરસાદને કારણે જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જૂનાગઢ શહેરમાં અત્યાર સુધીમાં 80 ઇંચથી વધુ વરસાદ આ સિઝનનો વરસી ચૂક્યો છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો, કુલ 172.5 ટકા વરસાદ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. ત્યારે છેલ્લા દિવસોમાં જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા ઝાપટાં અને ધોધમાર વરસાદ પણ નોંધાયો હતો.
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. જે રીતે ખેલૈયાઓ આ નવરાત્રીમાં રમવા માટે થનગની રહ્યા છે. ત્યારે બધાને એક સવાલ મનમાં મૂંઝવી રહ્યો છે કે, નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં?, નવરાત્રીમાં વરસાદ પડે તો ક્યાં પડશે? આ સમગ્ર બાબતની માહિતી જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાત ધીમંત વઘાસિયાએ આપી હતી.
આગામી અઠવાડિયા સુધીમાં આ ચોમાસુ વિદાય લેશે
અત્યાર સુધીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન સેલમાં સીઝનનો 88 ઇંચ વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં હવે વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી જોવા મળશે. કારણ કે, હાલમાં ચોમાસુ વિદાયની સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આગામી અઠવાડિયા સુધીમાં આ ચોમાસુ વિદાય લેશે. આગામી નવરાત્રી દરમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા જઈએ તો, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના અમુક ભાગોમાં આઠમા અને નવમા નોરતા દરમિયાન આ વરસાદ વરસી શકે છે.
ખેડૂત મિત્રોને આટલી સલાહ
આગામી અઠવાડિયા દરમિયાન વરસાદની શક્યતા નહિવત્ છે. તેથી જે ખેડૂત મિત્રોનો પાક પરિપક્વ થઈ ગયો છે તેણે ઝડપથી પોતાના પાકની કાપણી કરી અને લણણીનું કામ પૂર્ણ કરી પાકને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવો હિતાવહ છે. આ સાથે જે પણ પાક આગામી સમયમાં પાકવાની પરિસ્થિતિમાં આવશે તેને હાલ પિયતની જરૂરિયાત નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર