Gujarat Food Poisoning: ગુજરાતમાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ અને નકલી ખાદ્ય વસ્તુઓના કિસ્સા અવાર-નવાર સામે આવતા હોય છે. જોકે, આ બનાવોની સાથે છેલ્લાં ઘણાં સમયથી ફૂડ પોઇઝનિંગની ઘટનામાં પણ વધારો જોવા મળ્યો છે. ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળામાંથી પણ રવિવારે (8 ડિસેમ્બર) ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. રાજપીપળાના ટેકરા ફળિયામાં લગ્ન પ્રસંગમાં અંદાજિત 3 હજાર વ્યક્તિઓ માટે જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં મહેમાનોએ પનીર સહિતની વાનગી આરોગી હતી. જોકે, લગ્નમાં આવનાર મહેમાનોમાંથી ઘણાંની જમ્યાના થોડા કલાકમાં તબિયત લથડવાથી પ્રસંગમાં ભાગદોડ મચી ગઈ હતી. હાલ આરોગ્ય વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ખરાબ પનીરના કારણે લોકોની તબિયત લથડી હતી.
શું હતી સમગ્ર ઘટના?
નર્મદા જિલ્લાના રાજપીપળાના ટેકરા ફળિયામાં લગ્નનો પ્રસંગ હતો. જ્યાં અંદાજિત 3 હજાર વ્યક્તિઓનું જમણવાર રાખવામાં આવ્યું હતું. જોકે, જમણવારમાં ભોજન લીધાના થોડા કલાકોમાં કેટલાંક લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યા જોવા મળી. જેથી તાત્કાલિક 108 બોલાવી લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જેના કારણે પ્રસંગમાં ભાગદોડ મચી ગઈ હતી. આ સિવાય રાત્રે પણ ઘણાં લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
અનેક લોકોની તબિયત લથડી
મળતી માહિતી મુજબ, આ પ્રસંગમાં સરકારી દવાખાનામાં 9 લોકોને ઝાડા 11 લોકોને ઊલટી અને 19 ઝાડા-ઊલટીના કેસ સામે આવ્યા છે. આમ કુલ મળીને 39 લોકોની લગ્ન પ્રસંગના ભોજનથી તબિયત લથડી હતી. આ સિવાય 80થી વધુ ખાનગી તબીબોના દવાખાને રાત્રે ઝાડા-ઊલટીના કેસમાં સતત વધારો જોવા મળ્યો હતો. જોકે, સારવાર બાદ તમામની તબિયત સ્થિર છે અને કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. સમગ્ર મુદ્દે આરોગ્ય વિભાગે તમામ માહિતી મેળવી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વિદેશી સિગારેટના બંધાણી બન્યા ગુજરાતનાં યુવાનો, રેડિમેડ વસ્ત્રોની આડમાં ધૂમ દાણચોરી
આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ
આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, આ બનાવ પનીર ખાવાથી બન્યો હોવાનું જણાઈ રહ્યું છે. હાલ તમામ ખાદ્ય સામગ્રીના નમૂના લઈને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવતાં જ સમગ્ર મુદ્દે તપાસ કરી સમગ્ર ઘટનાનું કારણ જાણી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, જો પનીરના કારણે લોકોની તબિયત લથડી હોવાનું સામે આવે, તો નર્મદા જિલ્લામાં નકલી પનીર બનાવવાનું કારસ્તાન પણ ઝડપાઈ શકે તેવી સંભાવના છે. જોકે, સમગ્ર ઘટનાની સાચી વિગત તો આરોગ્ય વિભાગના રિપોર્ટ બાદ જ સામે આવશે.