રાજપીપળા,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
આજે દેશભરમાં અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામમંદિરમાં ભગવાન શ્રીરામના બાળસ્વરૂપની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. અયોધ્યામાં જે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરાઇ છે, તે મૂર્તિ જેવી જ આબેહૂબ મૂર્તિ નર્મદા જિલ્લાના રામપુરા ગામે ઉત્તરવાહિની નર્મદા નદીના કિનારે આવેલા શ્રી રણછોડરાય મંદિરમાં જોવા મળે છે.
કાળા પથ્થરમાંથી નિર્મિત રણછોડજીની મૂર્તિમાં પણ બંને બાજુ ભગવાન વિષ્ણુના દસ અવતારો
અયોધ્યામાં બિરાજમાન થનાર ભગવાન રામના બાળસ્વરૂપની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવાઈ છે. જેની બંને બાજુ ભગવાન વિષ્ણુના દશ અવતાર પણ દર્શાવવામાં આવ્યા છે. આ મનમોહક મૂર્તિએ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યુ છે. આ મૂર્તિ જેવી જ આબેહૂબ મૂર્તિ નર્મદા જિલ્લાના રામપુરા ગામે ઉતરવાહની નર્મદા નદી કિનારે આવેલા શ્રી રણછોડ રાયના મંદિરમાં જોવા મળે છે. લોકવાયકા મુજબ આ રણછોડજી ભગવાનની મૂર્તિ ભારત ભરમાં એકમાત્ર હોવાની માન્યતા છે. જે એક ખેડૂતને તેના ખેતરમાં ખેદકામ દરમિયાન મળી હતી. આ મૂર્તિ પણ કાળા પથ્થરમાંથી બનાવાયેલી અને તેની પણ બંને બાજુ ભગવાન વિષ્ણુના દશાવતાર જોવા મળે છે. જ્યારથી અયોધ્યાની ભગવાન રામની મૂર્તિ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, ત્યારથી રામપુરાની રણછોડજીની મૂર્તિ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકો પણ આ મંદિરે દર્શન માટે ઊમટી રહ્યા છે.