– ત્રણ-ત્રણવાર વેરીફીકેશન થયા બાદ પણ
– કેટલાક વિદ્યાર્થીને બે હપ્તા જમા થયા તો કોઇકને 6 મહિને કશું મળ્યું નથી : શાળામાં પૂછપરછ વધી
ભાવનગર : સરકાર દ્વારા ધો.૯ થી ૧૨ સુધીની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા ધો.૧૧ સાયન્સના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના જૂનથી અમલી કરી અને ત્રણ-ત્રણ વખત વેરીફીકેશનની કામગીરી થવા છતાં હજુ સુધી ઘણા વિદ્યાર્થીના ખાતામાં ફદીયુ પણ આવ્યું નથી જેના કારણો નથી શાળાને ખબર કે નથી શિક્ષણ કચેરીને. વાલીઓની પૂછપરછ વધી છે.
સરકાર દ્વારા ધો.૯ની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના અને ૧૧ સાયન્સ માટે નમો સરસ્વતિ યોજના જૂન નવા શૈક્ષણિક સત્રથી અમલી બનાવવાની મોટા ઉપાડે જાહેરાતો થઇ અને સ્કૂલોને પણ આ સમયે તાત્કાલીક ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા પુરેપુરૂ પ્રેશર કરાયું હતું અને એક તબક્કે ભાવનગર જિલ્લામાંથી નમો લક્ષ્મીના ૬૫ હજાર જેટલી દિકરીના અને નમો સરસ્વતિમાં ૨૫ હજાર જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતાં. આ ફોર્મ ભરતી વખતે શાળાએ વેરીફઈકેશન કર્યું હતું. ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ વેરીફીકેશન કાર્ય એપ્રુવ કરાયું હતું અને હવે કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરથી વેરીફીકેશન કરી એપ્રુવ કરવામાં આવેલ છે. આમ ત્રણ ત્રણ વાર વેરીફીકેશન થયા બાદ પણ પરિણામ દેખાતું નથી. જૂન મહિનાથી ૧૦ મહિના તબક્કાવાર સીધા વિદ્યાર્થીના બેન્ક ખાતામાં નિયત રકમ જમા કરવાની થતી હોય છે પરંતુ આમાના ૨૦ ટકા જેટલા વિદ્યાર્થીના ખાતામાં રકમ આવી છે તો ઘણા વિદ્યાર્થીના ખાતામાં હજુ સુધી એકપણ હપ્તો આવ્યો નથી. આમ એક જ શાળાના ગણ્યા ગાંઠયા વિદ્યાર્થીને રકમ મળે અને અન્યને ન મળે ત્યારે વાલીઓની પૂછપરછ સ્વાભાવિક વધવા પામી છે અને તે પણ શાળા કક્ષાએ વિશેષ રહે છે. પરંતુ મોટી તકલીફ છે કે શાળાને પણ ખ્યાલ નથી કે કયા કારણોસર રકમ વિદ્યાર્થીના ખાતામાં નથી આવી. વેકેશનમાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં જેટલી ઝડપ રખાઇ હતી તેટલી ઝડપ ચૂકવણામાં દર્શાતી નથી અને હાલ કેટલાને ચુકવાયા કેટલા વિદ્યાર્થી બાકી છે અને કયા કારણ બાકી છે તેની વિગતો પણ જાહેર નહીં થથા વાલીની સાથોસાથ શાળાના આચાર્યો પણ અસમંજસમાં મુકાયા છે. આમ પ્રારંભે શુરા રહેલ આ યોજના અંગે છ મહિના બાદ પણ નિયમિતતા જોવા નહીં મળતા વાલીઓમાં રોષની લાગણી ફેલાવા પામી છે.