Fire Incident : મોરબીથી એક દંપતિ પોતાની અઢી વર્ષની બાળકીને સાથે રાખીને એક કારમાં બેસીને જામનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ધ્રોળ નજીક લતીપર રોડ પર એકાએક ચાલુ કારમાં આગ લાગી જતાં અફરાતફરી સર્જાઈ હતી. તેવામાં કારનો દરવાજો પણ એક તરફથી લોક થઈ ગયો હતો. જો કે, કારચાલક અને તેમની પત્ની અઢી વર્ષની બાળકીને લઈને બહાર આવી જતા ત્રણેયનો બચાવ થયો હતો. જ્યારે કારમાં રાખેલી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે દંપતીએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ધ્રોળ પોલીસે આગ અકસ્માતની નોંધ કરી.
મોરબીથી જામનગર જતી કારમાં લાગી આગ
મળતી માહિતી મુજબ, મોરબીમાં જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા અને કેબલ ઓપરેટર તરીકેનો વ્યવસાય કરતા રવિ પટેલ (ઉં.વ. 32) પોતાની પત્ની અને અઢી વર્ષની બાળકી સાથે કારથી મોરબીથી જામનગર જઈ રહ્યા હતા. જેમાં જામનગરના એક શોરૂમમાંથી કાર લીધી હોવાથી ત્યાં સર્વિસમાં મુકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ધ્રોળ-લતીપર હાઈવે પર ઓચિંતા કારના આગળના ભાગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.
કારમાં આગ વિકરાળ બને એ પહેલા દંપતી બાળકીને લઈને આવી ગયા હતા. જેમાં આગળની સીટના ભાગમાં આગ પ્રસરી હોવાથી કારમાં પડેલા આઠ હજાર રૂપિયાની રોકડ રકમ, ઘડિયાળ તથા અન્ય સામગ્રી સળગી ગયું હતું. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ધ્રોળ પોલીસે આગ અકસ્માતના બનાવની નોંધ કરી.