– અનેક વખત રજૂઆત બાદ પણ કાર્યવાહી ન કરાઇ
– એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હોવા છતાં આરોપીઓની ધરપકડ ન કરી હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરમાં રહેતા યુવકે બે શખ્સો સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસ દ્વારા બન્ને શખ્સો સામે કાર્યવાહી કે ધરપકડ ન કરતા ભોગ બનનાર યુવક સહિત સમાજના આગેવાનો અને લોકોએ ડિવાયએસપી કચેરી સામે પ્રતિક ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. જે દરમ્યાન પોલીસે સ્થળ પર આવી વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથધરી હતી.
ધ્રાંગધ્રા શહેરમાં રહેતા અને એક કંપનીમાં કામ કરતા યુવક મનીષભાઈએ સીટી પોલીસ મથકે ગત ઓક્ટોબર મહિનામાં બે વ્યક્તિ સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પણ પોલીસ દ્વારા યોગ્ય તપાસ ન કરી હોવાના તેમજ આરોપીઓની ધરપકડ ન કરી હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર ફરિયાદીએ અનેક વખત પોલીસ અધિકારી સહિત રાજકીય આગેવાનોને રજૂઆત કરી હતી. ફરિયાદીએ અગાઉ ધ્રાંગધ્રા ડિવાયએસપી કચેરી સામે પ્રતિક ધરણા પણ કર્યા હતા. તેમ છતાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં ન આવતા ભોગ બનનાર યુવક સહિત અનુ.જાતિ સમાજના આગેવાનો, કંપનીમાં સાથે કામ કરતા કામદારો સહિત દસાડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતનાઓ ડિવાયએસપી કચેરી સામે ફરી પ્રતિક ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. જેની જાણ થતાં જ ધ્રાંગધ્રા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલા અંદાજે ૩૦થી વધુ લોકોની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ તકે તપાસ કરનાર ધ્રાંગધ્રા ડિવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું હતું કે એટ્રોસીટીની ફરિયાદ નોંધાયા બાદ બંને આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ બંને આરોપીઓએ હાઈકોર્ટ સમક્ષ જઈ તપાસ પર સ્ટે લાવ્યા હોવાનું જણાવ્યું હતું.