– તાલુકા પોલીસની કામગીરી સામે સવાલો
– હજાર લિટર દારૂ બનાવવાનો આથો, 70 લિટર દેશી દારૂ સાથે માત્ર 59 હજારનો મુદ્દામાલ જપ્ત કરી સંતોષ મનાયો
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના ચુલી ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી હતી. ૭૦ લિટર દેશી દારૂ, ૧૦૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો આથા સહિત રૂા. ૫૯ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે સંતોષ માન્યો હતો. સ્થળ પરથી કોઈ શખ્સ નહીં ઝડપાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમમાં આવેલ કબ્જા ભોગવટાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે પેટ્રોલીંગ હાથધર્યું હતું. દરમિયાન બાતમીના આધારે રેઈડ કરી ચુલી ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાનો આથો ૧૦૦૦ લીટર કિંમત રૂા.૨૫,૦૦૦ તથા ૭૦ લીટર દેશી દારૂ કિંમત રૂા.૧૪,૦૦૦ મળી કુલ રૂા.૩૯,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. સ્થળ પરથી એક બાઈક કિંમત રૂા.૨૦,૦૦૦વાળુ પણ કબ્જે કર્યું હતું. જ્યારે રેડ દરમ્યાન આરોપી શક્તિભાઈ ભાવેશભાઈ ધોળકીયા રહે.ચુલીવાળો હાજર મળી ન આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.