અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે એક સ્કોર્પિયો અને કારની ટક્કર થતા ત્રણ ભાઈઓ સહિત કુલ પાંચ લોકોના મોત થયા હતા. ધોલેરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના આજે બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ સાંધેડા ગામ પાસે બની હતી. જેમા ત્રણ અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસ અનુસાર, અમદાવાદને ભાવનગર સાથે જોડતા રાજમાર્ગ પર ફુલસ્પીડમાં આવી રહેલી એસયુવીએ રોંગ સાઈડમાં આવી રહેલી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
પાંચ લોકોના મોત, ચાર લોકો ઈજાગ્રસ્ત
સ્કોર્પિયો કારમાં કુલ છ પુરુષો સવાર હતા. જેમાંથી ત્રણ ભાઈઓ અને તેમના એક પિતરાઈ ભાઈનું મોત થયું છે. સામસામે થયેલી ટક્કરમાં એક મહિલા અને ચાર પુરુષો સહિત કુલ 5 લોકોના મોત થયા છે. જ્યારે બાળકો સહિત ચાર લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રહેવાસી હતા અને હાલમાં અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા હતા. ત્યાં જ કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના રહેવાસી હોવાનું કહેવાય છે.
અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામ
ભાવનગરથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત થયો હતો. અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ધોલેરા પોલીસને માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને ટ્રાફિક વ્યવસ્થાને કાબુમાં લીધી હતી. 108 એમ્બ્યુલન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.