Last Updated:
અત્યારથી જ પરીક્ષાના પેપરની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. આ પેપર ચકાસણીની કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
અમદાવાદ: દર વર્ષ કરતાં આ વખતે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વહેલી લેવાઈ હતી. આ વખતે ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં આ પરીક્ષા શરૂ થઈ હતી. જે રીતે પરીક્ષા વહેલી શરૂ કરવામાં આવી તેવી જ રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ પણ વહેલા જાહેર કરવામાં આવે તેવી તૈયારીઓ શિક્ષણ બોર્ડ દ્વારા જોવા મળી રહી છે. પરીક્ષાઓ પૂર્ણતાના આરે છે ત્યારે અત્યારથી જ પરીક્ષાના પેપરની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. આ પેપર ચકાસણીની કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થઈ છે. હવે માત્ર સામાન્ય પ્રવાહના કેટલાક પેપર બાકી રહ્યા છે ત્યારે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી કરવાની કામગીરી શરૂ થઈ છે. ચાલુ વર્ષે પરીક્ષા વહેલી શરૂ થઈ હતી જેથી બોર્ડ દ્વારા પરિણામ પણ બને એટલું વહેલું જારી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે પરીક્ષાના મૂલ્યાંકન કેન્દ્રના નિયામક ભાવિનભાઈ દેસાઈએ જણાવ્યું કે, “ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા મૂલ્યાંકન કામગીરી કરવામાં આવી છે જેમાં ધોરણ 10 માટે અલગ મૂલ્યાંકન કેન્દ્ર હોય છે જ્યારે ધોરણ 12 ના પેપરની ચકાસણી માટે અલગ મૂલ્યાંકન કેન્દ્ર હોય છે. જે મુજબ જુહાપુરાના આ મૂલ્યાંકન કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના ચાર વિષયની મૂલ્યાંકન કામગીરી કરવામાં આવી રહી છે. આ કેન્દ્રમાં 76 શિક્ષકો મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા છે. જેમાં 66 મૂલ્યાંકનકાર, 10 મોડેરેટર અને 2 કો-ઓર્ડિનેટરનો સમાવેશ થાય છે. મૂલ્યાંકન કામગીરી સાથે સંકળાયેલા શિક્ષકો ઉત્તરવહી ચકાસે છે. જો કોઈ પેપર ચકાસણીમાં 10 થી ઓછા માર્ક્સ આવ્યા હોય કે 90 ઉપર માર્ક્સ આવે તો તે ઉત્તરવહી મોડેરેટર પણ ચકાસશે. ત્યારબાદ કો-ઓર્ડિનેટર પણ ચકાસશે જેથી કરીને ઉત્તરવહી ચકાસણીમાં કોઈ ભૂલ ન રહી જાય.”
મહત્વનું છે કે, આ વર્ષે બોર્ડ દ્વારા શિક્ષકો માટે એક ખાસ વ્યવસ્થા પણ કરી છે કે તેઓ ભલે અન્ય શહેર કે જિલ્લામાં ફરજ બજાવતા હોય અને રહેતા અલગ જિલ્લામાં હોય તો તેઓ જ્યાં રહેતા હોય ત્યાં તેમને મૂલ્યાંકનકાર તરીકે નિમણૂક આપી છે. આ વખતે જેમ વહેલા પરીક્ષા યોજાઈ તેમ વહેલાસર પરિણામ જાહેર થઈ શકે છે જેથી કરીને પ્રવેશ પ્રક્રિયા પણ સમયસર પૂર્ણ થઈ શકે.
Ahmedabad,Gujarat
March 12, 2025 3:18 PM IST
[ad_1]
Source link