– સાંકડા અને બિસ્માર રસ્તાને લીધે અકસ્માતનો ભય
– રૂ. 3.65 કરોડના રસ્તાનું કામ મંજૂર કર્યાને પાંચેક માસ વિત્યાં છતાં કામ શરૂ નથી કરાયું
આણંદ : બોરસદ તાલુકાના ચારથી વધુ ગામોને બોરસદ સાથે જોડતો પામોલ-બોરસદ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે. તેમજ રસ્તો સાંકડો હોવાથી અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેથી રાજ્ય સરકાર દ્વારા રૂ.૩.૬૫ કરોડના રસ્તાનું કામ મંજૂર કરાયું હતું. ત્યારે ચૂંટણી પછી કામ શરૂ કરી દેવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. તેમછતાં હજૂ સુધી કામ શરૂ કરાયું નથી. આ અંગે પામોલના સરપંચ સહિતનાઓ દ્વારા ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને સાંસદને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. છતાં રોડનું કામ શરૂ ન થતાં વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
બોરસદ તાલુકાના દહેમી, કસુંબાડ, નામણ, ખડોલ ગામના લોકોને બોરસદ જવા માટે માત્ર પામોલ-બોરસદ રોડનો ઉપયોગ કરવો પડે છે. પરિણામે આ રોડ સતત વાહનોથી ધમધમતો રહે છે. આ સાત કિલોમીટરના અંતરમાં બોરસદથી ઝાંકલાનો કુવો વિસ્તાર સુધીના ત્રણ કિલોમીટરમાં વર્ષો પહેલા ડબલ લેનનો રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ ઝાંકલાનો કુવો વિસ્તારથી પામોલ સુધીનો ચાર કિલોમીટરનો રોડ સિંગલ લેન છે. તે પણ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેથી ગ્રામજનોની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા રૂ.૩.૬૫ કરોડનું રસ્તાનું કામ મંજૂર કરાયું હતું. તેમજ રોડનું કામ ચૂંટણી પછી શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. જેને પાંચ મહિના જેટલો સમય વીતિ ચૂક્યો હોવા છતાં હજૂ સુધી કામ શરૂ થયું નથી. આ રસ્તાની બાજૂમાં ૨૦ ફૂટ ઉંડો કાંસ આવેલો છે. સાંકડા રસ્તાના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે.
પામોલના સરપંચ મીનાબેન પટેલે જણાવ્યું હતું કે, પામોલ-બોરસદ રોડ માટે પંચાયત તરફથી ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને સાંસદને ત્રણ વખત લેખિત રજૂઆત કરાઈ છે. ગતવર્ષે અકસ્માતમાં ગામની મહિલાનું મોત નિપજ્યાં બાદ પણ લેખિત રજૂઆત કરી હતી. પામોલની આસપાસના ગામના રોડ બનાવવામાં આવે છે પરંતુ પામોલના આ રોડનું કામ નહીં કરીને ભેદભાવ રાખવામાં આવતું હોય તેવું જણાઈ રહ્યું છે.