Patan Ragging Case : પાટણના ધારપુરમાં આવેલી GMERS મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં આખરે પોલીસે કાર્યવાહી કરી છે. કોલેજની ફરિયાદ બાદ પોલીસે 15 સીનિયર વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. કોલેજે હાથ ધરેલી તપાસમાં સામે આવ્યું હતું કે, ધરપકડ કરાયેલા કુલ 15 સીનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું હતું. જેમાં એક વિદ્યાર્થીનુ મોત થયું હતું. આ અંગે પોલીસ ફરિયાદ થયા બાદ, પાટણ પોલીસે રેગિંગમાં સંડોવાયેલા 15 વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને આવતીકાલે મંગળવારે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
શું હતી ઘટના?
પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું શનિવારે રાત્રે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોએ રેગિંગ થયાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે મેડિકલ કોલેજના ડીને પોલીસને જાણ કરીને તપાસ શરૂ કરી હતી અને 15 સીનિયર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી તેમની સામે ફરિયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગરના જેસડા ગામનો હતો વિદ્યાર્થી
સુરેન્દ્રનગરના જેસડા ગામનો મેથાણીયા અનિલ પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા સતત બેથી ત્રણ કલાક સુધી તેનું રેગિંગ કરવામાં આવ્યું હતું. કોલેજના સત્તાધીશો દ્વારા આ અંગે પોલીસને જાણ કરીને વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
એબીવીપીએ કર્યો હતો વિરોધ
સમગ્ર મુદ્દે એબીવીપી દ્વારા મોડી રાતે કોલેજની બહાર પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ અને સૂત્રોચ્ચાર બાદ પોલીસ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે એબીવીપીના વિરોધ પ્રદર્શન કરનાર કાર્યકર્તાઓની અટકાયત કરી મામલો શાંત પાડ્યો હતો.