- પાવન પ્રસંગે તાલુકાના ગામેગામથી ભાવિકો મોટી સંખ્યામાં ઊમટી પડયા
- થાવર ગામના લોકોએ મામેરું ભર્યું
- તમામે ભોજન પ્રસાદ પણ લીધો હતો
ધાનેરા તાલુકાના જીવાણા ગામે શનિવારના રોજ વિશેષ મહોત્સવમાં તુલસી વિવાહ યોજવામાં આવ્યા હતા. જેમાં માલોત્રા ગામેથી જાન આવી હતી અને થાવર ગામેથી મામેરુ આવતા થાવર ગામના લોકો દ્વારા રૂ. એકવીસ લાખ એકાવન હજારનું મામેરુ ભરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ માણવા માટે સમગ્ર ધાનેરા તાલુકામાંથી તેમજ આજુમાજુના તાલુકામાંથી જીવાણા ગામે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમંગભેર ઉમટી પડતા ગામની જગ્યા પણ નાની પડવા લાગી હતી અને તમામે ભોજન પ્રસાદ પણ લીધો હતો.
જીવાણા ખાતે જીવાણા મઠના મઠાધીશ મહંત 1008 રતનગીરીજી ગુરુ ધનગીરીજી મહારાજના સાનિધ્યમાં તુલસી વિવાહ મહોત્સવની શુક્રવારથી શરુઆત કરવામાં આવી હતી. જેને લઇને શનિવારે તુલસી વિવાહ રાખવામાં આવેલ હોવાથી માલોત્રા ગામેથી જાન વાજતેગાજતે જીવાણા ગામે આવી હતી અને હજારો લોકોની વચ્ચે તુલસી વિવાહ કરવામાં આવ્યા હતા. ત્યારે આ તુલસી વિવાહમાં થાવર ગામના ચૌધરી સમાજના લોકો દ્વારા મામેરુ લાવ્યા હતા અને રૂ. 21.51 લાખનું મામેરુ ભરવામાં આવ્યુ હતુ. આ તુલસી વિવાહ મહોત્સવ માણવા માટે ધાનેરા તાલુકા સિવાય ડીસા, દાંતીવાડા, થરાદ, લાખણી તેમજ રાજસ્થાનથી પણ મોટીસંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડતા જાણે જીવાણા ગામની જગ્યા પણ નાની પડતી હોય તેવુ જોવા મળ્યુ હતુ. આ કાર્યક્રમમાં સૌથી વધુ બહેનો જોવા મળી હતી અને બહેનોએ તુલસી વિવાહમાં લગ્ન ગીતોની પણ રમઝટ બોલાવી હતી ત્યારે બીજી તરફ્ મોટા મોટા સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ. વડગામ મઠના 1008 લહેરભારતીજી મહારાજ, નેનાવા મઠના પ.પૂ. 1008 શિવપુરીજી મહારાજ સહિત અનેક સંત મહાત્માઓ હાજર રહ્યા હતા.