- ત્રણ દિવસથી દીપડો ફરી રહ્યો હોઈ ખેતર વિસ્તારમાં લોકો ભયભીત
- જડિયા પછી અન્ય કોઈ ગામમાં દીપડાના હોવાના સમાચાર મળ્યા નથી
- ફોરેસ્ટ વિભાગે બે ટીમો બનાવી દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી
ધાનેરાના જડિયા ગામની સીમમાં શનિવારે રાત્રે દીપડાના પગના નિશાન દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે ખેત માલિકા દ્વારા વન વિભાગને જાણ કરાતાં અધિકારીઓએ દોડી આવી તપાસ હાથ ધરી છે. ફોરેસ્ટ વિભાગે બે ટીમો બનાવી દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી કોઈ પ્રાણીનું મારણ ન થયુ હોવાથી ખેડૂતોએ રાહતનો દમ લીધો છે. ધાનેરાના જડિયા ગામની સીમમાં ખેતર ધરાવતાં સુજાનસિંહના ખેતરમાં કામ કરતાં શ્રામિકોને શનિવારે કોઈ પ્રાણીના પગના નિશાન દેખાતાં તેઓ હતપ્રત બન્યા હતા. આ અંગે ખેતર માલિકને જાણ કરતાં તેઓએ તાત્કાલીક ધાનેરા વન વિભાગને સમાચાર મોકલ્યા હતા. જે પગલે વન વિભાગે જડિયા ગામ ખાતે પહોંચી પગનાં નિશાનની તપાસ કરતાં નિશાન દીપડાના પગના હોવાનું જણાઈ આવયું હતું. જેને પગલે ધાનેરા વન વિભાગની બે અલગ અલગ ટીમોએ જડિયા ગામમાં ધામાં નાખ્યા છે. જોકે સોમવારે ત્રીજો દિવસ થવા આવ્યો હોવા છતાં હજુ સુધી કોઈ પ્રાણીના મારણ થયાનાં સમાચાર નથી. આ અંગે ફેરેસ્ટ અધિકારી પી.જે .રાઠવાએ જણાવ્યું હતું કે, પંથકમાં દીપડો હોવાની જાણ થતાં ટીમ સક્રિય બની છે. નાઈટ અને દિવસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
સીમમાં રહેતાં પરિવારો ભયભીત
આ અંગે ખેતમજૂરી કરતાં અજમલભાઈએ જણાવ્યું હતું કે, દીપડાના પગના નિશાનને લઈ ખેતરમાં રહેતા પરિવારો ભયભીત બન્યા છે. જો કે, કોઈએ હજુ દીપડાને નજર સમક્ષ જોયો નથી. ધાનેરા તાલુકામાં દીપડો આવ્યો હોવાના સમાચારને લઈ ગામડામા રહેતા લોકો પણ સતર્ક બની ગયા છે. કે જડિયા પછી અન્ય કોઈ ગામમાં દીપડાના હોવાના સમાચાર મળ્યા નથી.જો કે વન વિભાગ પોતાની ફરજ પર હાજર છે.