- તમારા પરિવાર પર માતા મૂકેલી છે કહી રૂ.35 લાખ રોકડા પડાવ્યા
- ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ છેતરાયાનું ભાન થતાં પાંચ સામે ફરિયાદ
- સબંધી પાસેથી લાવેલા લાખોની રકમ લઈ ભુવાજી રવાના થઈ ગયા
ધાનેરાના ગોલા ગામે રહેતા ખેડૂત પરિવાર પર માતાજી મૂકયા હોવાનું કહીં ભુવા બની આવેલા 5 શખ્સો રૂ.35 લાખ રોકડા અને 1.70 લાખના દાગીના લઈ ફરાર થઈ જતાં ફરિયાદ નોંધાવાઈ છે.
ગોલામાં રહેતા રમેશભાઈ મફભાઈ પટેલને એટા ગામના બે વ્યક્તિઓએ ભુવાજી સાથે સંપર્ક કરાવ્યો હતો. ભુવાજીએ કહ્યું કે, તમારા પરિવારમા છેલ્લા 82 વર્ષ પહેલાં માતા મુકેલી છે.જેની વિધિ કરવી પડશે. આથી વાત માની બાધા પૂરી કરવા ગત 11ડિસેમ્બરે રાત્રે વિધિ શરૂ કરાઈ હતી. જેમાં ભુવાજી દ્વારા પરિવાર પાસેથી રૂ.35 લાખ રૂપિયા રોકડ અને 1 લાખ 70 હજારના દાગીના પાટ પર મુકાવ્યા હતા.
સબંધી પાસેથી લાવેલા લાખોની રકમ લઈ ભુવાજી રવાના થઈ ગયા હતા. જો કે આ આખી ઘટનાના વીડિયો વાઇરલ થતાં આખરે ખેડૂત પરિવારને સાચી હકીકત માલૂમ પડતાં ધાનેરા પોલીસ મથકે પહોંચી આરોપી શંકરભાઈ કાળાભાઈ રબારી, મફભાઈ મશરૂભાઈ રબારી, નેબાભાઈ હીરાભાઈ રબારી, મફભાઈ માનાભાઈ રબારી, રાઘાભાઈ રબારી રહે.એટા અને સોમાભાઈ રબારી રહે.દિદરડા, થરાદ સામે ફરિયાદ નોંધાવી છે. નોંધનીયી છે કે, અંધશ્રાદ્ધાના નામે ઠગો વાજતે-ગાજતે નાણાં લઈ રવાના થઈ ગયા છે.